HomeAll૧૨ ઓગસ્ટે ખગ્રાસ સૂર્યગ્રહણ; ભારતમાં નહીં દેખાય, વિજ્ઞાન જાથા આપશે વૈજ્ઞાનિક સમજ

૧૨ ઓગસ્ટે ખગ્રાસ સૂર્યગ્રહણ; ભારતમાં નહીં દેખાય, વિજ્ઞાન જાથા આપશે વૈજ્ઞાનિક સમજ

અમદાવાદ : આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વના વિવિધ ભાગોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના જોવા મળશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ અને ઉત્તર સ્પેન સહિતના વિસ્તારોમાં પૂર્ણ સૂર્યગ્રહણ, જ્યારે યુરોપ, પશ્ચિમ આફ્રિકા અને ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે.

ભારતીય સમય મુજબ ગ્રહણનો પ્રારંભ રાત્રે ૯:૦૪ કલાકે થશે અને સમગ્ર ઘટના આશરે ૪ કલાક ૨૩ મિનિટ ચાલશે. ખાસ કરીને સ્પેનમાં સૂર્યાસ્ત સમયે પૂર્ણ સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું જોખમી હોવાથી યોગ્ય પ્રમાણિત સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા જણાવાયું છે.

ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સૂર્યગ્રહણ સંપૂર્ણપણે ખગોળીય ઘટના છે અને તેને માનવજીવનના શુભ-અશુભ પરિણામો સાથે જોડવાનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. ગ્રહણને લઈને પ્રચલિત સૂતક, વેધ, ફળકથન અને અન્ય અંધશ્રદ્ધાઓ અંગે લોકોને વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, મોરબી, જામનગર, કચ્છ-ભુજ સહિત રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા મથકો પર વિજ્ઞાન જાથા દ્વારા જાગૃતિ કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી રહી છે. કાર્યક્રમોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક માહિતી આપી પ્રચલિત ગેરમાન્યતાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. વિશેષ જાણકારી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments