HomeAllમોરબીના સિરામિક ઉદ્યોગ પર સપ્ટેમ્બરમાં ત્રીજી વખત પ્રોપેન ગેસના ભાવવધારાનો બોજ

મોરબીના સિરામિક ઉદ્યોગ પર સપ્ટેમ્બરમાં ત્રીજી વખત પ્રોપેન ગેસના ભાવવધારાનો બોજ

પ્રતિ ટન રૂ.3,700નો વધુ ભાવવધારો થતાં પ્રોપેનનો ભાવ રૂ.98,750 થયો: સપ્લાય અટકતાં અનેક કારખાનાની કિલન બંધ થવાની સ્થિતિ

મોરબી: મંદીનો સામનો કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સપ્ટેમ્બર માસમાં પ્રોપેન ગેસના ભાવવધારાએ વધુ મુશ્કેલી ઊભી કરી છે. પ્રોપેન ગેસના ભાવમાં સપ્ટેમ્બર માસ દરમિયાન સતત ત્રીજી વખત વધારો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. શનિવારે પ્રતિ ટન રૂ.3,700નો વધુ ભાવવધારો થતાં પ્રોપેનનો ભાવ રૂ.98,750 પ્રતિ ટન સુધી પહોંચી ગયો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ મહત્વના ઇંધણ છે. એક તરફ સ્થાનિક બજારમાં વેપારની સ્થિતિ નબળી છે અને બીજી તરફ નિકાસમાં પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સતત વધી રહેલા ગેસના ભાવને કારણે ઉત્પાદન ખર્ચમાં વધુ વધારો થવાની ચિંતા ઉદ્યોગકારોમાં જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પ્રોપેન રૂ.91,500 પ્રતિ ટનના ભાવે ઉપલબ્ધ હતો. ત્યારબાદ ભાવમાં વધારો થતાં હવે શનિવારે ફરી રૂ.3,700 પ્રતિ ટનનો વધારો કરવામાં આવ્યો છે. આમ, સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીમાં પ્રોપેનના ભાવમાં ત્રણ વખત વધારો થતાં સિરામિક ઉદ્યોગ પર વધારાનો ખર્ચબોજ આવ્યો છે.

બીજી તરફ પ્રોપેન ગેસના પુરવઠાને લઈને પણ સિરામિક ઉદ્યોગમાં મુશ્કેલી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રા, કંડલા અને પીપાવાવ સહિતના બંદરો પર એલએનજી ટેન્કર આવી ગયા હોવા છતાં પ્રોપેનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા વચ્ચે ગેસ ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા સપ્લાય અટકાવવામાં આવતાં કેટલાક સિરામિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ હોવાની ઉદ્યોગકારોમાં રાવ ઉઠી છે.

ગેસના પુરવઠા અને ભાવવધારાની સ્થિતિને લઈને સિરામિક ઉદ્યોગકારોની તાકીદની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ગેસ ડીલરોને ઉદ્યોગ માટેનો પુરવઠો જાળવી રાખવા તાકીદ કરવામાં આવી હતી. પુરવઠો અટકાવવામાં આવશે તો ઉદ્યોગ પર ગંભીર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

ઉદ્યોગકારોની રજૂઆત બાદ પ્રોપેનના ટેન્કરોનો પુરવઠો ફરી શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે, જોકે તેની સાથે તાત્કાલિક ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે. હવે પ્રોપેનનો ભાવ રૂ.98,750 પ્રતિ ટન સુધી પહોંચતા સિરામિક ઉદ્યોગકારો માટે ઉત્પાદન ખર્ચનું દબાણ વધુ વધ્યું છે.

દરમિયાન, આગામી દિવસોમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પ્રોપેનના ભાવમાં ફરી વધારો થવાની શક્યતાના સંકેતો પણ મળી રહ્યા છે. જો આગામી દિવસોમાં વધુ ભાવવધારો કરવામાં આવે તો પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલી વધુ ઘેરાવાની ભીતિ ઉદ્યોગકારોમાં વ્યક્ત થઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments