
ગુજરાતના: દરિયાઈ પ્રવાસન (મેરિટાઈમ ટુરિઝમ) ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી દરિયામાં જહાજોને સુરક્ષિત નેવિગેશનમાં મદદ કરતી દીવાદાંડીઓ (લાઇટહાઉસ) હવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. રાજ્યમાં આવેલા આવા 17 જેટલા લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે , જેથી પ્રવાસીઓને એક અનોખો અનુભવ મળી રહે. આ પહેલ અંતર્ગત માંડવી , રાવલપીર , હઝીરા , વેરાવળ અને દ્વારકા સહિત રાજ્યના કુલ 17 સ્થળોએ આવેલા લાઇટહાઉસનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે.

અહીં આવતા મુલાકાતીઓ માટે સુંદર બગીચા , કેફેટેરિયા , બાળકો માટે પ્લેગ્રાઉન્ડ , સંસ્કૃતિ અને મનોરંજન માટે એમ્ફિથિએટર તેમજ આકર્ષક ‘ લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ ‘ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે , દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવવાનું ગૌરવ મેળવનાર ગુજરાત રાજ્ય માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આ યોજનાથી રાજ્યના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવામાં મોટો ટેકો મળશે. દીવાદાંડીઓ ખાતે વિકસાવવામાં આવેલી આ વિવિધ મનોરંજક સુવિધાઓને કારણે હવે પ્રવાસીઓને આનંદ-પ્રમોદની સાથે દરિયાઈ ઈતિહાસ અને નેવિગેશન અંગેનો શૈક્ષણિક અનુભવ પણ પ્રાપ્ત થશે.























