HomeAllમોરબીવાસીઓને આદર્શ નાગરિક બનવા કોમનમેન ફાઉન્ડેશનની અપીલ

મોરબીવાસીઓને આદર્શ નાગરિક બનવા કોમનમેન ફાઉન્ડેશનની અપીલ

મોરબી: શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા, ગંદકી, પ્રદૂષણ અને રખડતા ઢોર સહિતના વિવિધ નાગરિક પ્રશ્નો અંગે લોકોમાં જાગૃતિ લાવવા કોમનમેન ફાઉન્ડેશન-મોરબી દ્વારા નાગરિકોને પોતાના કર્તવ્યનું પાલન કરવા માર્મિક અપીલ કરવામાં આવી છે. સંસ્થાના ડો. સતીષ પટેલે ‘શું તમે મોરબીના આદર્શ નાગરિક છો? તો વાંચો, વિચારો અને અમલમાં મૂકો’ શીર્ષક હેઠળ પત્રિકા મારફતે શહેરના નાગરિકોને સ્વચ્છતા, ટ્રાફિક શિસ્ત, પર્યાવરણ સંરક્ષણ અને ગૌમાતાની જાળવણી સહિતના મુદ્દાઓ અંગે જવાબદારીપૂર્વક વર્તવા અનુરોધ કર્યો છે.

સ્વચ્છતા જાળવવા અપીલ: ધરતીને આપણે માતા તરીકે પૂજીએ છીએ ત્યારે શહેરની શેરી, ગલી અને રસ્તાઓ પણ ધરતીનો જ ભાગ છે. તેથી જાહેર સ્થળોએ પાન-માવાની પિચકારી ન મારવી, ઘરનો કે અન્ય કચરો રસ્તા પર ન ફેંકવો અને પોતાના ઘર તથા આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

ટ્રાફિક નિયમોનું પાલન: વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. આગળ નીકળી જવાની કે ઓવરટેક કરવાની બિનજરૂરી હરીફાઈથી બચી ટ્રાફિક શિસ્ત જાળવવાથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યામાં ઘટાડો લાવી શકાય છે.

અવાજ અને હવાનું પ્રદૂષણ અટકાવવાની અપીલ: તહેવારોની ઉજવણી દરમિયાન મોડી રાત સુધી ફટાકડા ફોડવા સહિતની પ્રવૃત્તિઓથી ધ્વનિ અને હવાનું પ્રદૂષણ ન વધે તેનું ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. પોતાની ખુશી અન્ય લોકો માટે મુશ્કેલી કે પરેશાનીનું કારણ ન બને અને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ બીમાર અને વૃદ્ધ નાગરિકોની શાંતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલતા દાખવવા જણાવાયું છે.

રખડતા ઢોરની સમસ્યા અને ગૌસેવા: શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરની સમસ્યા અંગે પણ નાગરિકોને જવાબદારીપૂર્વક વિચારવા અપીલ કરાઈ છે. ગાયને માતાનો દરજ્જો આપતી આપણી સંસ્કૃતિમાં ગાયનું દૂધ દોહ્યા બાદ તેને રસ્તા પર રઝળતી ન મૂકવી અને ગાય જીવે ત્યાં સુધી તેના પોષણ તથા સંભાળની જવાબદારી નિભાવવી એ સાચી ગૌસેવા હોવાનું જણાવાયું છે.

તહેવારોની ઉજવણીમાં વિવેક જરૂરી: તહેવારો, વરઘોડા, દિવાળી અને વિજય સરઘસ જેવા પ્રસંગોમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવાની સાથે અન્ય નાગરિકોની શાંતિ અને સુવિધાનો પણ વિચાર કરવો જોઈએ. શ્રાવણ માસ સહિતના ધાર્મિક પ્રસંગોમાં મોરબીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો સંકલ્પ લઈ આનંદની ઉજવણી અન્ય લોકો માટે પરેશાનીનું કારણ ન બને તેનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

કચરાનો યોગ્ય નિકાલ દરેકની જવાબદારી: ઘર તથા આસપાસ એકઠા થતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો અને જાહેર સ્થળોને ગંદા ન કરવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરની સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી ન રહે પરંતુ દરેક નાગરિક પોતાની ફરજ સમજીને તેમાં સહભાગી બને તે જરૂરી હોવાનું કોમનમેન ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે.

અંતમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે સૌથી શ્રેષ્ઠ ધર્મ નાગરિક ધર્મ છે. મોરબીના શાણા અને જાગૃત નાગરિકો સ્વચ્છતા, ટ્રાફિક શિસ્ત, પર્યાવરણ સંરક્ષણ, ગૌસેવા અને સામાજિક જવાબદારી જેવા મુદ્દાઓને સમજીને પોતાના દૈનિક જીવનમાં અમલમાં મૂકે તો શહેરને વધુ સ્વચ્છ, સુંદર, શિસ્તબદ્ધ અને રહેવા યોગ્ય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments