
મોરબી: વીજલાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને રેવન્યુ તલાટી-મંત્રી મારફતે નોટિસ આપી બળજબરીપૂર્વક માર્કેટ રેટ કમિટી (MRC)ની કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે જેતપર સત્યાગ્રહ છાવણી દ્વારા શુક્રવારે, 25 સપ્ટેમ્બરના રોજ મોરબી કલેકટર કચેરી ખાતે વિશાળ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના હિતોને અસર કરતી કાર્યવાહી સામે લેખિતમાં વિરોધ નોંધાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરીએ પહોંચશે.

આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ સાથે બહેનો અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાય તે માટે જેતપર સત્યાગ્રહ છાવણી દ્વારા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને સવારથી સાંજ સુધીનો સમય લાગી શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં જોડાનારા લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

જેતપર ખાતે આસપાસના ગામોના લોકોના સહયોગથી આશરે 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ફૂડ પેકેટ તૈયાર કરવા માટે કેટરર્સની 8 ટીમો સાથે જરૂરી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતો પોતાના હક્ક અને માંગણીઓના સમર્થનમાં મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ પહોંચીને MRCની કાર્યવાહી સામે વિરોધ નોંધાવશે. આ માટે જેતપર સત્યાગ્રહ છાવણી દ્વારા ખેડૂતોને એકજૂથ થઈને મોરચામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.






















