
પ્રવાસી: ભારતીયો (NRI) પાસેથી ડૉલર એકત્ર કરવાની રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)ની ખાસ પહેલ અપેક્ષા કરતાં પણ ઘણી વધુ સફળ રહી છે. 31 ઑગસ્ટ 2026 સુધીમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ(બૅંક) એટલે કે FCNR(B) ડિપોઝિટ દ્વારા ભારતમાં 100 બિલિયન ડૉલરથી પણ વધુની રકમ આવી ચૂકી હતી. ઝડપી ઇનફ્લોને જોતાં RBIએ આ સ્કીમ માટે આપવામાં આવેલી સ્પેશિયલ સ્વેપ ફેસિલિટીની વિન્ડો નક્કી સમય કરતાં લગભગ એક મહિનો પહેલાં જ બંધ કરી દીધી. આ ફાસ્ટ ડૉલર ઇનફ્લોથી ભારતનું ફોરેક્સ રિઝર્વ પણ રૅકોર્ડ સ્તરે પહોંચી ગયું. 21 ઑગસ્ટ સુધી દેશનું વિદેશી મુદ્રા ભંડાર 729.3 બિલિયન ડૉલર હતું.

આનાથી થોડા જ સપ્તાહ પહેલાં 24 જુલાઈએ તે લગભગ 682 બિલિયન ડોલર હતું. મિડલ ઈસ્ટ સંકટથી વધ્યું ડૉલરનું દબાણ : RBIનું આ પગલું એવા સમયે આવ્યું, જ્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવે ભારતના બહારી ખાતા અને રૂપિયા પર દબાણ વધારી દીધું હતું. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારતના ફોરેક્સ રિઝર્વમાં લગભગ 46 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો. આ દરમિયાન 24 જુલાઈ સુધી રિઝર્વ ઘટીને લગભગ 682 બિલિયન ડૉલર રહી ગયું હતું, જ્યારે અમેરિકી ડૉલર સામે રૂપિયો લગભગ 6% નબળો પડી ચૂક્યો હતો. આવા માહોલમાં RBIએ NRI પાસેથી વિદેશી મુદ્રા એકત્ર કરવા માટે FCNR(B) ડિપોઝિટને પ્રોત્સાહન આપવાની રણનીતિ અપનાવી. શું છે FCNR(B) ડિપોઝિટ?

ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બૅંક) એટલે કે FCNR(B) એકાઉન્ટ NRI માટે એક ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ હોય છે. તેમાં NRI પોતાની વિદેશી કમાણીને ભારતમાં વિદેશી મુદ્રામાં જમા કરી શકે છે. તેમને રકમને પહેલા ભારતીય રૂપિયામાં બદલવાની જરૂર નથી હોતી. આ ખાતાની ખાસિયત એ છે કે મૂળ રકમ અને તેના પર મળતું વ્યાજ બંને વિદેશી મુદ્રામાં જ પાછા મળે છે. આવી સ્થિતિમાં NRIને રૂપિયાના ઉતાર-ચઢાવનું જોખમ ઉઠાવવું પડતું નથી.કેમ શરૂ કરવી પડી ખાસ સ્વેપ ફેસિલિટી?

FCNR(B) ડિપોઝિટમાં ઇનફ્લો પહેલા નબળો પડી ગયો હતો. નાણાકીય વર્ષ 2024-25માં આ માધ્યમથી 7 બિલિયન ડૉલરથી વધુની રકમ આવી હતી, પરંતુ FY26માં આ ઘટીને માત્ર 946 મિલિયન ડૉલર રહી ગઈ. ઇનફ્લોને ફરીથી વધારવા માટે RBIએ જૂન 2026માં એક ખાસ સ્વેપ ફેસિલિટીનું એલાન કર્યું હતું. તે હેઠળ 3થી 5 વર્ષની મુદતવાળી નવી FCNR(B) ડિપોઝિટ પર બૅંકોને રાહત દરે સ્વેપની સુવિધા આપવામાં આવી. આ વ્યવસ્થામાં હેજિંગનો ખર્ચ RBIએ વહન કર્યો.

આનો હેતુ NRIને વિદેશી મુદ્રા ભારતમાં જમા કરવા માટે વધુ આકર્ષક વિકલ્પ આપવાનો હતો.RBIની અપેક્ષા કરતાં ઘણો વધુ આવ્યો પૈસો : RBI ગવર્નર સંજય મલ્હોત્રાને શરૂઆતમાં લગભગ 80 બિલિયન ડૉલરના ઇનફ્લોની અપેક્ષા હતી. પરંતુ ડિપોઝિટમાં પૈસા આવવાની સ્પીડ અનુમાન કરતાં ઘણી વધુ રહી. ઑગસ્ટની શરૂઆત સુધીમાં જ લગભગ 40.8 બિલિયન ડૉલર આવી ચૂક્યા હતા. ત્યારબાદ 31 ઑગસ્ટ સુધી FCNR(B) દ્વારા આવનારી રકમ 100 બિલિયન ડૉલરના આંકડાને પાર કરી ગઈ. ફાસ્ટ ઇનફ્લોને જોતાં RBIએ 30 સપ્ટેમ્બર 2026ની નક્કી કરેલી ડેડલાઇનની રાહ ન જોઈ અને સ્પેશિયલ સ્વેપ ફેસિલિટીની વિન્ડો લગભગ એક મહિનો પહેલાં જ બંધ કરી દીધી.

ફોરેક્સ રિઝર્વ અને રૂપિયાને મળ્યો ટેકો : આ ડૉલર ઇનફ્લોની અસર ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર પણ જોવા મળી. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે 21 ઑગસ્ટ સુધી ભારતનું ફોરેક્સ રિઝર્વ વધીને રૅકોર્ડ 729.3 બિલિયન ડૉલર પર પહોંચી ગયું હતું. 24 જુલાઈએ તે લગભગ 682 બિલિયન ડૉલર હતું. આટલું મોટું વિદેશી મુદ્રા ભંડાર ભારતના કરંટ એકાઉન્ટ ડેફિસિટને ફાઇનાન્સ કરવા અને બહારી આંચકાઓથી નિપટવામાં મદદ કરી શકે છે. રૂપિયાને પણ આનાથી થોડી રાહત મળી.

રિપોર્ટ પ્રમાણે 1 સપ્ટેમ્બરે રૂપિયો 0.4% મજબૂત થઇને 94.7988 પ્રતિ ડૉલર પર પહોંચી ગયો. આ 1 જુલાઈ પછી રૂપિયાનું સૌથી મજબૂત સ્તર હતું. આ દરમિયાન RBIએ ઑફશોર અને ઓનશોર બજારોમાં ડૉલરનું વેચાણ પણ કર્યું.NRI પાસેથી પહેલા પણ RBIએ એકત્ર કર્યા છે ડૉલર : મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓમાં RBI માટે NRI પાસેથી વિદેશી મુદ્રા એકત્ર કરવી એ કોઈ નવું પગલું નથી. 1991ના બેલેન્સ ઑફ પેમેન્ટ્સ સંકટ દરમિયાન પણ પ્રવાસી ભારતીયોના વિદેશી મુદ્રા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2013માં રૂપિયા પર દબાણ વધવા દરમિયાન લગભગ 34 બિલિયન ડૉલર એકત્ર કરાયા હતા. 100 બિલિયન ડૉલરથી વધુનો ફોરેન કરન્સી ઇનફ્લો દર્શાવે છે કે સંકટ સમયે NRI ડિપોઝિટ ભારત માટે વિદેશી મુદ્રા એકત્ર કરવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ બની શકે છે.



















