HomeAllમોરબી આરટીઓ કચેરીની કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મુલાકાત

મોરબી આરટીઓ કચેરીની કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મુલાકાત

વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી અરજદારોને ઝડપી અને સરળ સેવાઓ આપવા સૂચના

મોરબી, તા. ૦૫ સપ્ટેમ્બર : મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજરોજ મોરબી આરટીઓ કચેરીની મુલાકાત લઈ કચેરી ખાતે ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કાચા લાયસન્સની કામગીરી, કચેરીના મહેકમ તેમજ દૈનિક કામગીરી અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ખાસ કરીને આરટીઓ કચેરી ખાતે કાર્યરત એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કચેરી ખાતે આવેલા અરજદારો સાથે પણ સંવાદ કરી તેમને મળી રહેલી સરકારી સેવાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી કે અગવડતા પડે છે કે કેમ તે અંગે તેમના અનુભવો જાણવામાં આવ્યા હતા.

આરટીઓ અધિકારી તપન મકવાણા તેમજ કચેરીના ઉપસ્થિત કર્મચારીઓ સાથે કલેક્ટર દ્વારા કચેરીની દૈનિક કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અરજદારોને સરકારી સેવાઓનો ત્વરિત, પારદર્શક અને સરળતાથી લાભ મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ઓનલાઈન અરજીઓ કરતી વખતે અરજદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવા પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત સાફ-સફાઈ કરાવવા અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments