
આગામી: 15 ડિસેમ્બર 2026થી ખાનગી કાર અને ટુ-વ્હીલરના વીમા માટે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI)નું નવું ચાર-સ્તરીય માળખું અમલમાં આવી રહ્યું છે. અત્યાર સુધી ચાલતી થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ પોલિસીની જગ્યાએ હવે એક જ પોલિસીમાં ચાર અલગ-અલગ વિભાગો હશેઃ થર્ડ-પાર્ટી લાયેબિલિટી, મુસાફરો પ્રત્યેની કાનૂની જવાબદારી (પેસેન્જર લાયેબિલિટી), પર્સનલ એક્સિડન્ટ કવર અને પોતાના વાહનના નુકસાન માટે ઓન-ડેમેજ કવર. આમાં માત્ર થર્ડ-પાર્ટી વીમો અને વાહન માલિકનો પર્સનલ એક્સિડન્ટ વીમો જ ફરજિયાત રહેશે, જ્યારે બાકીના કવર વૈકલ્પિક રાખવામાં આવ્યા છે.

વાહન માલિકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે પેસેન્જર લાયેબિલિટી કવરમાં વાહન માલિકના નજીકના પરિવારજનો એટલે કે માતા-પિતા, જીવનસાથી અને બાળકોનો સમાવેશ થતો નથી. આ કવર માત્ર મિત્રો, સહકર્મીઓ કે અન્ય મુસાફરો પૂરતું જ મર્યાદિત રહે છે. તેથી, જો પરિવાર સાથે મુસાફરી કરતી વખતે અકસ્માતમાં પરિવારના કોઈ સભ્યને ઈજા થાય કે કાયમી અપંગતા આવે, તો તેના આર્થિક રક્ષણ માટે ગ્રાહકોએ અલગથી વૈકલ્પિક ‘પર્સનલ એક્સિડન્ટ કવર ફોર ઓક્યુપન્ટ્સ’ પસંદ કરવું જરૂરી બનશે. નવા નિયમ મુજબ વાહન માલિકનું પર્સનલ એક્સિડન્ટ કવર ત્યારે પણ લાગુ પડશે જ્યારે માલિક પોતે વાહન ન ચલાવતા હોય, પરંતુ તેમાં મુસાફરી કરી રહ્યા હોય કે વાહનમાં ચઢતા-ઉતરતા હોય.

આ કવરમાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતા પર 100 ટકા અને એક અંગ કે એક આંખ ગુમાવવા પર 50 ટકા રકમ મળે છે, પરંતુ તે માટે માલિક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. આ ઉપરાંત, પોતાના વાહનના સમારકામ માટે ઓન-ડેમેજ કવર અલગથી લેવું પડશે, નહીંતર થર્ડ-પાર્ટી વીમામાં પોતાના વાહનના નુકસાનનું વળતર નહીં મળે. વીમા કંપનીઓએ હવે પોલિસી ખરીદતી વખતે ગ્રાહકોને કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ (CIS) આપવી પડશે અને દરેક વિભાગનું પ્રીમિયમ અલગથી દર્શાવવું પડશે, જેનાથી ગ્રાહક કઈ સુવિધાના કેટલા પૈસા ચૂકવે છે તેની સ્પષ્ટતા રહેશે.

હાલના થર્ડ-પાર્ટી પોલિસીધારકો પણ પોતાની પોલિસી રદ કર્યા વિના વધારાનું પ્રીમિયમ ચૂકવીને મુસાફરો કે પાછળ બેસનાર વ્યક્તિ (પિલિયન રાઇડર) માટે કવર ઉમેરી શકશે. નિષ્ણાતોના મતે માત્ર સસ્તું પ્રીમિયમ જોઈને પોલિસી લેવાને બદલે પરિવાર અને વાહનની સુરક્ષા મુજબ યોગ્ય વિકલ્પો પસંદ કરવા હિતાવહ રહેશે.






























