કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ, ગંગા આરતીમાં જોવા મળ્યો અદ્ભૂત નજારો

ધર્મ: અને આસ્થાની નગરી કાશીમાં દેવ દિવાળીનો અદ્ભૂત નજારો જોવા મળ્યો. કારતક મહિનાની પૂનમે ગંગાના 84 ઘાટ 21 લાખ દીવડાની રોજનીથી જગમગવા લાગ્યા હતા. એવું લાગ્યું જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. કૃતિકા નક્ષત્ર અને શિવ યોગમાં મનાવાતી આ દેવ દિવાળીને જોવા માટે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ અને પર્યટકો કાશી પહોંચ્યા હતા. ગંગાના બંને કિનારા પર દીવડાની રોશની એવું દ્રશ્ય બનાવ્યું કે સૌ કોઈ તેને પોતાના કેમેરામાં કેદ કરવા ઉત્સુક દેખાયા.

કાશીમાં સાંજે 5:15 વાગ્યે નમો ઘાટ પર પ્રવાસન મંત્રી જયવીર સિંહે દીપ પ્રગટાવીને દેવ દીપાવલી મહોત્સવનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ સાંજે 6 વાગ્યા સુધીમાં ગંગાના તમામ 84 ઘાટ દીવાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. ગંગા નદીના સામેના કિનારે રામનગર તરફ પણ દીવાઓની અદભુત ઝગમગાટ જોવા મળી હતી. પરંપરા મુજબ સૌથી પહેલાં પંચગંગા ઘાટ પર બનાવવામાં આવેલા હજારા (વિશાળ દીપસ્તંભ)ને પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય ઘાટો પર દીવા પ્રગટાવવાની શરૂઆત થઈ હતી. સરકાર દ્વારા 11 લાખ અને લોકોએ 10 લાખ દીવા પ્રગટાવ્યા

આ વર્ષે દેવ દીપાવલીના પાવન પર્વ પર કુલ 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 11 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે કાશીની વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ મળીને 10 લાખ દીવા પ્રગટાવ્યા હતા. આદિ કેશવ ઘાટથી લઈને સામે ઘાટ સુધી દીવાઓની લાંબી હારમાળાએ ગંગા કિનારે અદભુત નજારો સર્જ્યો હતો. દીપોત્સવને ભવ્ય બનાવવા માટે 200થી વધુ સમિતિઓએ 84 ઘાટ પર દીવા પ્રગટાવવાની જવાબદારી સંભાળી હતી. આ પ્રસંગે ઘાટો પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ચારે તરફ હર-હર મહાદેવના જયઘોષ અને ગંગા આરતીના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

51 ઘાટ પર એકસાથે ગંગા મહાઆરતી યોજાઈ : દેવ દિવાળીના અવસરે આ વખતે 51 ઘાટ પર એકસાથે ભવ્ય ગંગા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન યોજાયેલી આ આરતીમાં નમો ઘાટ, દશાશ્વમેધ ઘાટ, તુલસી ઘાટ અને અસ્સી ઘાટ સહિતના મુખ્ય ઘાટોનો સમાવેશ થયો હતો. એકસાથે પ્રજ્વલિત થયેલા લાખો દીવા અને આરતી દરમિયાન ગુંજતા મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું હતું.લેસર અને ડ્રોન શોએ વધારી મહોત્સવની ભવ્યતા

દેવ દિવાળીના અવસરે દીપોત્સવ ઉપરાંત અનેક વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચેતસિંહ કિલ્લા પર સાંજે 7:20થી 7:45 અને ત્યારબાદ રાત્રે 8થી 8:30 વાગ્યા સુધી 3D પ્રોજેક્શન અને લેસર શો યોજાશે. આ શો દ્વારા કાશીની સંસ્કૃતિ અને ધાર્મિક વિરાસતને આકર્ષક અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 8થી 8:10 વાગ્યા સુધી ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે 8:30થી 8:45 વાગ્યા દરમિયાન લલિતા ઘાટની સામે ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આકાશમાં રંગબેરંગી રોશની અને ગંગા કિનારે ઝળહળતા લાખો દીવાઓએ દેવ દીપાવલીના આ ભવ્ય આયોજનને યાદગાર બનાવી દીધું હતું.