મોરબીના ત્રણ ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે 8 કલાક વીજકાપ

વાવડી રોડ, શ્રદ્ધા અને ચિત્રકૂટ ફીડરમાં GETCOની મેઇન્ટનન્સ કામગીરીને પગલે સવારે 7:30થી બપોરે 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: તા. ૨૪/૧૧/૨૦૨૬: મોરબી શહેર પેટા વિભાગ-03 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલે તા. ૨૫/૧૧/૨૦૨૬, બુધવારના રોજ GETCO દ્વારા વીજ લાઈન અને સિસ્ટમની મેઇન્ટનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે વાવડી રોડ, શ્રદ્ધા અને ચિત્રકૂટ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 7:30થી બપોરે 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

વાવડી રોડ ફીડર હેઠળ ક્રિષ્ના પાર્ક-1 અને 2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, આશિક પાર્ક તેમજ વાવડી ચોકડીથી માધાપરા તરફ જતા રોડની ડાબી બાજુનો સમગ્ર વિસ્તાર અસરગ્રસ્ત રહેશે.

શ્રદ્ધા ફીડર હેઠળ શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિ પાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

ચિત્રકૂટ ફીડર હેઠળ સેન્ટ મેરી સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, નવી અને જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, નવા ડેલા રોડ, મચ્છી પીઠ રોડ, સુપર ટોકીઝ, ચિત્રકૂટ ટોકીઝ, રોહીદાસ પરા, ચાર ગોડાઉન સહિત આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

મોરબી શહેર પેટા વિભાગ-03ના નાયબ ઇજનેરની યાદીમાં જણાવ્યા અનુસાર, મેઇન્ટનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. જેથી અસરગ્રસ્ત વિસ્તારના વીજ ગ્રાહકોએ જરૂરી વ્યવસ્થા કરી લેવા અપીલ કરવામાં આવી છે.