આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટવા છતાં સ્થાનિક કંપનીઓ ભાવ ઘટાડવા તૈયાર નહીં થતાં સિરામિક એસોસિએશનની ગેસ કમિટીએ શરૂ કરી લડત

મોરબી : આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં સ્થાનિક સપ્લાયર કંપનીઓ દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં ન આવતાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ મુદ્દે હવે સિરામિક ઉદ્યોગકારોએ સંગઠિત રીતે વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે. મોરબી સિરામિક એસોસિએશનની ગેસ કમિટીએ IOCL કંપની પાસેથી ગેસનું લોડિંગ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ગેસ કમિટી દ્વારા તમામ સભ્યોને કરવામાં આવેલી અપીલમાં જણાવાયું છે કે, અગાઉ પણ ઉદ્યોગકારોના એકતા અને સહકારના પરિણામે પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો કરાવવામાં સફળતા મળી હતી. હાલના આંતરરાષ્ટ્રીય બજારના ભાવનો અભ્યાસ કરતાં પ્રોપેન અને એલપીજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં સ્થાનિક સપ્લાયર કંપનીઓ દ્વારા તેનો લાભ ઉદ્યોગકારોને આપવામાં આવતો નથી.

આ પરિસ્થિતિમાં સપ્લાયર કંપનીઓ પર ભાવ ઘટાડવા દબાણ ઊભું કરવા માટે ગેસ કમિટીએ તમામ સભ્યોને IOCLમાંથી ગેસનું લોડિંગ બંધ કરી અન્ય કંપનીઓ પાસેથી ગેસ મેળવવા સૂચના આપી છે. કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણયનો અસરકારક અમલ કરવા તમામ ઉદ્યોગકારોએ એકજૂથ રહી સહકાર આપવો જરૂરી છે. અત્યંત અનિવાર્ય સંજોગો સિવાય IOCLમાંથી ગેસનું લોડિંગ ન કરવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસની સરખામણીએ પ્રોપેન ગેસ સસ્તો પડતો હોવાથી મોરબીના અનેક સિરામિક એકમોએ કરોડો રૂપિયાના ખર્ચે પ્રોપેન ગેસ આધારિત પ્લાન્ટ સ્થાપ્યા છે. જોકે, હાલ પ્રોપેન સપ્લાયરોના ભાવને લઈને ઉદ્યોગકારોમાં નારાજગી છે અને પ્રોપેન ગેસનો ભાવ પ્રતિ યુનિટ રૂ. 100થી પણ વધુ હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે.

આમ, ગેસના ભાવમાં ઘટાડાની માંગ સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ હવે સપ્લાયર કંપનીઓ સામે સંગઠિત લડત શરૂ કરી છે. IOCLના લોડિંગ બંધ કરવાના નિર્ણય બાદ ગેસ સપ્લાયર કંપનીઓ શું વલણ અપનાવે છે અને ઉદ્યોગકારોની માંગણીનો કેવો પ્રતિસાદ આપે છે તેના પર સમગ્ર સિરામિક ઉદ્યોગની નજર રહેશે.





























