મોરબી વર્તમાન સમયમાં વધુ પડતા ઓનલાઇન નાણાકીય લેવડ દેવડની વચ્ચે ઘણી વખત તક સાધુઓ દ્વારા યેનકેન પ્રકારે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા મહિલાએ મિંન્ત્રા એપ્લિકેશનમાંથી વસ્તુ મંગાવેલ હોય જે ઓર્ડર કેન્સલ થયેલ હોવાની માહિતી મોબાઈલ ફોન દ્વારા તેઓને આપવામાં આવી હતી અને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.ત્યાર બાદ મહિલાના વ્હોટ્સએપમાં પીડીએફ ફાઈલના સ્વરૂપમાં એપીકે ફાઈલ મોકલાવવામાં આવી હતી જે ફાઈલને ઓપન કરતાની સાથે જ મહિલાનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી 95,000 ઉપડી ગયા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોબાઈલ ધારક તથા બેન્ક એકાઉન્ટના ધારક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે .

જબલપુર ગામે રહેતા શીતલબેન વિશાલભાઈ કગથરા (25) નામના મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબરના ધારક તથા ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતા નંબર ધારક તથા તપાસમાં ખુલે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓએ મિંન્ત્રા એપ્લિકેશનમાંથી વસ્તુ મંગાવેલ હોય જે ઓર્ડર કેન્સલ થયેલ હોવાનું આરોપીના મોબાઈલ નંબર 8040011450 ઉપરથી ફરિયાદીને જણાવીને તેઓની સાથે વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો અને વ્હોટ્સએપમાં પીડીએફના સ્વરૂપમાં એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી.ત્યારબાદ ફરિયાદીનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને તેઓની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી 95 હજાર રૂપિયા ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા અને આજ દિવસ સુધી તે રૂપિયા પરત કરવામાં આવ્યા નથી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ છેતરપિંડીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

































