નિવૃત્તિ બાદ પણ સમાજસેવામાં પ્રવૃત્ત રહેલા 50 જેટલા શિક્ષકોનું સન્માન

7-9-2026: શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ઉમિયા નિવૃત્ત શિક્ષક મંડળ દ્વારા રવાપર ચોકડી પાસે આવેલા ઉમા હોલ ખાતે ભવ્ય સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્તિ બાદ પણ શિક્ષણ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા આશરે 50 વ્યક્તિ વિશેષ નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કે. આર. પાડલિયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક અભિવાદન કર્યું હતું.

ઉમિયા આરોગ્ય સમિતિના ડૉ. ભાલોડિયાએ નિવૃત્ત જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે નિવૃત્ત લોકોએ નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવા સાથે સમયાંતરે આરોગ્યની તપાસ કરાવવી જોઈએ. તેમજ સ્વસ્થ અને સક્રિય જીવન માટે કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેવું હિતાવહ છે. નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. ભાવેશભાઈ જેતપરિયાએ પોતાના પુસ્તક તથા શિક્ષકોની ગરિમા અંગે વિચારો રજૂ કર્યા હતા.

સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક મગનભાઈ જાકાસણીયા, ‘હરતી ફરતી પ્રયોગશાળા’ સમાન શિક્ષક રામજીભાઈ જાકાસણીયા, ચતુરભાઈ કુંડારિયા, મનજીભાઈ કોરડીયા, સી. સી. કાવર, ચંદુભાઈ દલસાણીયા, તળસીભાઈ મારવણીયા, દેવશીભાઈ પાડલીયા, શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા, બેસ્ટ બીઆરસી એવોર્ડ પ્રાપ્ત કરનાર દિનેશભાઈ વડસોલા, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઈ ભેંસદડીયા, શૈલેષભાઈ કાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, ભુદરભાઈ બરસરા, કે. વી. આદ્રોજા અને જીવરાજબાપા ફૂલતરીયા સહિત 50 જેટલા નિવૃત્ત શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે. જી. કુંડારિયા, રામજીભાઈ જાકાસણીયા અને મગનભાઈ વરસડા સહિતના મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વર્તમાન સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પરિસ્થિતિ અંગે ચિંતન રજૂ કર્યું હતું. સાથે જ નિવૃત્ત ગુરુજનોનું આવું સ્નેહમિલન સમયાંતરે યોજાતું રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સુંદર સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નિવૃત્ત થયેલી આ પેઢીએ અનેક અગવડો, સાધનોના અભાવ અને ઓછા પગાર વચ્ચે શિક્ષક તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. કોઈના પ્રભાવમાં આવ્યા વગર ભાવપૂર્વક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને તેમના ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કર્યું છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાતા તરીકે ભગવાનજીભાઈ રંગપડીયા, ખોડીદાસ પાડલીયા અને હંસરાજભાઈ અઘારાએ યોગદાન આપ્યું હતું.




















