HomeAllમોરબીના સરદાર રોડ પર જ્વેલર્સની દુકાનમાં તસ્કરોનો તરખાટ, રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીનાની...

મોરબીના સરદાર રોડ પર જ્વેલર્સની દુકાનમાં તસ્કરોનો તરખાટ, રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

પાછળની દીવાલમાં બાકોરું પાડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો, CCTVમાં ઘટના કેદ થતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

મોરબી: શહેરના સરદાર રોડ પર આવેલી રાધાકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ દીવાલમાં બાકોરું પાડી પ્રવેશ કરીને રૂ.17,24,000ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે દુકાનના માલિક દિપકભાઈ જયંતિભાઈ માંડલીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સરદાર રોડ પર ખારાકુવા વાળી શેરીમાં રહેતા અને સોનીકામ કરતા દિપકભાઈ માંડલીયાની સરદાર રોડ પર રાધાકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ગત તા.03/09/2026ના રોજ સાતમના તહેવાર નિમિત્તે તેઓ બપોરે 2 વાગ્યે દુકાન બંધ કરીને પરિવાર સાથે રાજકોટ ગયા હતા. ત્યારબાદ તા.07/09/2026ના રોજ સવારે 10 વાગ્યે દુકાન ખોલતા અંદર સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.

દુકાનની તપાસ કરતા પાછળ આવેલા મોરબી તાલુકા સંઘના જૂના પડતર બિલ્ડીંગ તરફથી દુકાનની પાછળની દીવાલમાં મોટું બાકોરું પાડવામાં આવ્યું હોવાનું જણાયું હતું. ચોરીની આશંકા જતા દુકાનના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં તા.05/09/2026ના રોજ રાત્રિના આશરે 02:45 વાગ્યે એક અજાણ્યો શખ્સ દીવાલ તોડી દુકાનમાં પ્રવેશતો કેદ થયો હોવાનું સામે આવ્યું હતું.

તસ્કર દુકાનમાંથી સોનાના 12 નંગ પેન્ડલ અને 200 નંગ દાણા મળી કુલ 24 ગ્રામ સોનું, જેની કિંમત રૂ.2,74,000 થાય છે, ચોરી ગયો હતો. ઉપરાંત ચાંદીના મોટા સાંકળા, નાના સાંકળા, કડલા, લકી, વીંટી, પગની માછલી, લેડીસ કડલી અને કંદોરા મળી કુલ 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણા, જેની કિંમત રૂ.12,50,000 થાય છે, તેમજ 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર, જેની કિંમત રૂ.2,00,000 થાય છે, મળી કુલ રૂ.17,24,000નો મુદ્દામાલ ચોરી થયો હતો.

આ બનાવ અંગે દિપકભાઈ માંડલીયાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે BNS કલમ 305(a), 331(4) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવની વધુ તપાસ પી. આઈ. યુવરાજસિંહ ભુપતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments