HomeAllવાંકાનેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–૨૦૨૬ યોજાઈ

વાંકાનેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–૨૦૨૬ યોજાઈ

વાંકાનેર : ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, એકતા, શિસ્ત અને સંગીત પ્રત્યેની અભિરુચિ વિકસે તેમજ સામૂહિક ગાન દ્વારા રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–૨૦૨૬ અને ભારત કો જાનો પ્રશ્નમંચ–૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગીતના સુમધુર સ્વરો સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાઓનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓની કુલ ૯ શાળાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ગીતોની સુંદર, સુમધુર અને ભાવવાહી સમૂહગાન સ્વરૂપે રજૂઆત કરી હતી. દેશભક્તિપૂર્ણ ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું.

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં વીસીપરા પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમ, શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયે દ્વિતીય ક્રમ અને માટેલ પ્રાથમિક શાળાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ટીમ હવે પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ ઉપરાંત ભારત કો જાનો પ્રશ્નમંચ દ્વારા વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક, ધાર્મિક અને ભારતીય જ્ઞાનની કસોટી કરવામાં આવી હતી, જેમાં કુલ ૩૨ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વઘાસિયા પ્રાથમિક શાળાએ પ્રથમ, ભેરડા પ્રાથમિક શાળાએ દ્વિતીય અને શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અંગ્રેજી માધ્યમ વિભાગમાં D.A.V. Calderys Public School પ્રથમ ક્રમે રહી હતી. માધ્યમિક વિભાગમાં શ્રી કે.કે. શાહ માધ્યમિક વિદ્યાલયે પ્રથમ અને શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર તમામ શાળાઓને શિલ્ડ તેમજ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ દાતાશ્રી ચેતનભાઈ જાની દ્વારા આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહંત અશ્વિનભાઈ રાવલ, દાતાશ્રી ચેતનભાઈ જાની, સામાજિક સદભાવ વાંકાનેર તાલુકાના જગદીશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ, વિદ્યા ભારતીના ટ્રસ્ટી વિનુભાઈ રૂપારેલીયા, વિનુભાઈ શાહ, પૂર્વ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળા તેમજ મહિલા કોમર્સ કોલેજના આચાર્ય શીતલબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સંસ્કાર અને શિસ્તના મહત્વ સાથે જીવનમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંગીત શિક્ષક મયુરભાઈ ઝાલા અને સંગીત વિશારદ ડૉ. વિશ્વેશભાઈ પંડ્યાએ નિષ્પક્ષ અને મહત્વપૂર્ણ સેવા આપી હતી. બંને નિર્ણાયકોએ તમામ ૯ ટીમોની રજૂઆતોનું સ્વર, તાલ, લય, સમૂહ સંકલન, ઉચ્ચારણ, ભાવ અભિવ્યક્તિ અને સમગ્ર પ્રસ્તુતિના આધારે ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

આ સમગ્ર આયોજનમાં ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખાના હોદ્દેદારો અને સભ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો. કોષાધ્યક્ષ દ્વારકાદાસ હરીયાણી, સચિવ રસિકભાઈ ખોરજા, અધ્યક્ષ ચેતનભાઈ ભીંડોરા, મહિલા સહભાગિતા નીતાબેન ભીડોરા, સંપર્ક પ્રમુખ ધ્રુવગીરી ગોસ્વામી, ભારત કો જાનોના સંયોજક રમેશભાઈ ડાભી, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના સંયોજક દર્શનાબેન જાની તથા સહ સંયોજક ભાવેશભાઈ ત્રિવેદી સહિતની સમગ્ર ટીમે કાર્યક્રમના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને અસરકારક સંચાલન ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખાના મહિલા સદસ્ય મનિષાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ બંને સ્પર્ધાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સામૂહિકતા, શિસ્ત, આત્મવિશ્વાસ તેમજ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની સમજ વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ, શિસ્તબદ્ધ અને યાદગાર બની રહ્યો હતો. (અહેવાલ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments