HomeAllમોરબીમાં માર્કેટિંગ યાર્ડ નજીક ચાલતી i20 કારમાં અચાનક આગ

મોરબીમાં માર્કેટિંગ યાર્ડ નજીક ચાલતી i20 કારમાં અચાનક આગ

કારમાં સવાર બે વ્યક્તિઓ સમયસૂચકતા દાખવી નીચે ઉતરી જતા દુર્ઘટના સહેજમાં ટળી

મોરબી : શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક આજે સવારના સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક i20 કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં સવાર બે વ્યક્તિઓએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, માર્કેટિંગ યાર્ડની સામે આવેલા છોટાલાલ પેટ્રોલ પંપથી આશરે ૩૦ મીટરના અંતરે GJ 36 BC 7132 નંબરની i20 કાર પસાર થઈ રહી હતી. દરમિયાન કારના બોનેટમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગતા કારમાં સવાર ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા.

કારમાં CNG ગેસ હોવાથી તેમજ ઘટના સ્થળ પેટ્રોલ પંપની નજીક જ હોવાથી પરિસ્થિતિ વધુ જોખમી બની હતી. બનાવ સમયે માર્કેટ યાર્ડની ચૂંટણીના મતદાનને પગલે રોડ પર ભારે ટ્રાફિક હોવાથી આગની ઘટનાને કારણે વાહનવ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો.

કારચાલકના જણાવ્યા મુજબ, તેઓ ટંકારાથી માર્કેટિંગ યાર્ડમાં કામ અર્થે આવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. કારમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડની સમયસરની કામગીરી અને કારમાં સવાર બંને વ્યક્તિઓની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments