ટેમ્પરરી કનેક્શન અને વાયરિંગનું NOC ફરજિયાત, વીજ લાઈનોથી સલામત અંતર જાળવવા અપીલ

13 સપ્ટેમ્બર: ગણેશ મહોત્સવ દરમિયાન વીજ અકસ્માતો અટકાવી શ્રદ્ધાળુઓ અને આયોજકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગણેશ પંડાલ તથા ઉત્સવ મંડપ માટે મહત્વપૂર્ણ વીજ સલામતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

PGVCL દ્વારા ગણેશ પંડાલ માટે ફરજિયાતપણે ટેમ્પરરી વીજ કનેક્શન લેવા અપીલ કરવામાં આવી છે. બિનઅધિકૃત વીજ જોડાણ ગેરકાયદેસર તેમજ જોખમી હોવાથી તેનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. પંડાલના વાયરિંગમાં ELCB અથવા RCCBનો ઉપયોગ કરવા તેમજ યોગ્ય ક્ષમતાના અને ગુણવત્તાયુક્ત વાયરનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

વાયરિંગ નિયમો મુજબ કરવામાં આવ્યું છે કે નહીં તેની ચકાસણી માટે ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટરની કચેરી પાસેથી NOC મેળવવાનું રહેશે. ઉપરાંત HT અથવા LT વીજ લાઈનોની નીચે કે તેની નજીક ગણેશ પંડાલનું નિર્માણ ન કરવા PGVCL દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.

ગણેશ મૂર્તિ લાવતી કે લઈ જતી વખતે મૂર્તિ તેમજ વાહનને વીજ લાઈનોથી સલામત અંતરે રાખવા જણાવાયું છે. જો વીજ લાઈન અને મૂર્તિ વચ્ચે પૂરતું અંતર ન હોય તો નજીકની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

PGVCL દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી છે કે મૂર્તિ પાછળની મેટાલીક ફ્રેમ પર ઊભા રહીને ભીના લાકડા કે અન્ય કોઈ સાધનની મદદથી વીજ લાઈન ઊંચી કરવાનો પ્રયાસ ન કરવો. વીજ લાઈનના સંપર્કમાં આવવાથી ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાઈ શકે છે.

વીજ વિક્ષેપ અથવા વીજ પુરવઠાને લગતી ફરિયાદ માટે PGVCLના ગ્રાહક સુવિધા કેન્દ્રના ટોલ ફ્રી નંબર 1800-233-155333 અથવા 19122 પર સંપર્ક કરી શકાશે. ઉપરાંત WhatsApp નંબર 95120 19122 પર પણ માહિતી મેળવી શકાશે.

ગણેશ મહોત્સવ દરમિયાન આયોજકો તેમજ શ્રદ્ધાળુઓએ PGVCLની વીજ સલામતી સૂચનાઓનું પાલન કરી ઉત્સવને સલામત અને અકસ્માતમુક્ત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.



















