HomeAllમોરબી: 273 વર્ષ પ્રાચીન ધર્મનાથ જિનાલયમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી

મોરબી: 273 વર્ષ પ્રાચીન ધર્મનાથ જિનાલયમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી

273 વર્ષ પ્રાચીન ધર્મનાથ ભગવાનના જિનાલયમાં મહાવીર જન્મવાંચન સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા

મોરબી, તા. 13: મોરબી શહેરના 8 જિનાલયોમાં જૈન ધર્મના મહાપર્વ પર્યુષણની ભક્તિભાવ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી ચાલી રહી છે. ખાસ કરીને દરબારગઢ સ્થિત 273 વર્ષ પ્રાચીન ધર્મનાથ ભગવાનના જિનાલયમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાઈ રહ્યા છે. આ જિનાલયમાં સંપ્રતિ કાળની આશરે 3000 વર્ષ જૂની પ્રતિમા બિરાજમાન છે. સાધ્વીજી ભગવંત પુનિતકલાજી મ.સા. આદિ ઠાણા-5ની પાવન નિશ્રામાં જૈન સમાજના ભાવિકો ધાર્મિક આરાધનામાં જોડાયા છે.

પર્યુષણ પર્વના પાંચમા દિવસે કલ્પસૂત્ર ગ્રંથમાંથી ભગવાન મહાવીરના જન્મવાંચનનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાવિકોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભગવાન મહાવીરના જન્મ પ્રસંગે માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોના દર્શન અને ઉછામણીનો લાભ લેવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવિકોએ અષ્ટમંગલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મોરબી જૈન સંઘમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા ઋષિમંડળ મહાતપ અને મહાપૂજનમાં આશરે 50 જેટલા આરાધકો જોડાયા હતા. જ્યારે પર્યુષણ પર્વ અંતર્ગત હાલ 20થી 22 જેટલા તપસ્વીઓ કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે. જૈન સમાજમાં આ તપસ્યા અને આરાધનાને ધાર્મિક ગૌરવરૂપે નિહાળવામાં આવી રહી છે.

મહાવીર જન્મવાંચન પ્રસંગે વિવિધ સ્વપ્નોના દર્શન તથા ઉછામણીના ધાર્મિક લાભ માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ સ્વપ્ન હાથીને ઝુલાવવાનો તેમજ ફૂલની માળાનો લાભ ભાનુબેન નગીનદાસ પારેખ પરિવારે લીધો હતો, જ્યારે સોનાની માળાનો લાભ શશિકાંત રતિલાલ મહેતાએ લીધો હતો. વૃષભ સ્વપ્નનો લાભ ગુલાબબેન મુલચંદભાઈ શાહ અને પદ્માબેન વિનોદરાય શાહે લીધો હતો. કેસરી સિંહના દર્શનનો સંપૂર્ણ લાભ સરોજબેન પ્રફુલચંદ્ર દોશીએ લીધો હતો.

લક્ષ્મીજીના સ્વપ્નમાં મીનાબેન બિપીનભાઈ દોશી અને ચંદુભાઈ મીઠાઈવાળાએ લાભ લીધો હતો. ફૂલની માળાના સ્વપ્નનો લાભ કમળાબેન નગીનદાસ દોશી, રંજનબેન નવીનચંદ્ર મહેતા અને મસ્તીબેન વનેચંદ દોશીએ લીધો હતો. ચંદ્ર સ્વપ્નનો લાભ રંજનબેન નવીનચંદ્ર મહેતાએ, સૂર્યનો લાભ મહેન્દ્રભાઈ શંભુભાઈ સંધાણીએ અને ધ્વજાનો લાભ હર્ષદભાઈ જમનાદાસ દોશીએ લીધો હતો.

કળશ ઝુલાવવાનો લાભ વોરા ભવનભાઈ પોપટલાલને અને પદ્મ સરોવરનો લાભ ગુલાબચંદ કીર્તિચંદ લોઢિયાને મળ્યો હતો. ક્ષીર સમુદ્રના સ્વપ્નનો લાભ સુશીલાબેન મહેન્દ્રકુમાર દોશીએ અને દેવ વિમાનનો લાભ ચંદુભાઈ મીઠાઈવાળાએ લીધો હતો. રત્નનો ઢગલો અને અગ્નિ શિખા બંને સ્વપ્નોમાં ઝુલાવવા સહિત ફૂલ અને સોનાની માળાનો સંપૂર્ણ લાભ જયશ્રીબેન સૂર્યકાંતભાઈ ધોળકિયાએ લીધો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments