HomeAllરાજકોટમાં આંતરરાષ્ટ્રીય ‘માર્ચ ફોર સાયન્સ-૨૦૨૬’ કાર્યક્રમ સંપન્ન

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ‘માર્ચ ફોર સાયન્સ-૨૦૨૬’ કાર્યક્રમ સંપન્ન

વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન માટે વધુ ભંડોળ ફાળવવા સહિત વિવિધ માંગણીઓ સાથે રેલી-ધરણા યોજાયા

રાજકોટ તા. ૧૨ સપ્ટેમ્બર: ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ‘માર્ચ ફોર સાયન્સ-૨૦૨૬’ અંતર્ગત વિજ્ઞાન રેલી અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કે.કે.વી. ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરકાર શિક્ષણ અને વિજ્ઞાન સંશોધન માટે વિશેષ ભંડોળ ફાળવે, વૈજ્ઞાનિક અભિગમનો વ્યાપ વધે, પર્યાવરણનું જતન થાય તથા અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક વિચારોના પ્રચારને અટકાવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી.

જાથાના રાજ્ય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે માર્ચ ફોર સાયન્સ વૈશ્વિક ચળવળ છે, જે વૈજ્ઞાનિક વલણને પ્રોત્સાહન આપવા અને અવૈજ્ઞાનિક માન્યતાઓનો વિરોધ કરવા માટે યોજાય છે. તેમણે વનનો નાશ અટકાવવા, જંગલની જમીન કોર્પોરેટ ક્ષેત્રને આપવાની નીતિ પર પુનર્વિચાર કરવા તથા પર્યાવરણ સંરક્ષણ માટે વિજ્ઞાન આધારિત નીતિઓ બનાવવાની માંગ કરી હતી. ઉપરાંત શિક્ષણ અને સંશોધન માટેનું ભંડોળ વધારવા તથા વિદ્યાર્થીઓને પોષાય તેવી ફી રાખવા પણ રજૂઆત કરાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન સાંકળ બનાવી પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, પિરિયોડિક ટેબલ, માનવ અધિકાર અને લોકશાહી જેવા પાઠ્યક્રમમાંથી દૂર કરાયેલા વિષયો પુનઃ દાખલ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારો, વધતું તાપમાન, પૂર-દુષ્કાળ, ભૂસ્ખલન, બરફની ચાદર ઓગળવી અને દરિયાઈ સપાટીમાં વધારા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ન્યુ પરિમલ સ્કૂલના સંચાલક ચંદ્રકાંતભાઈ મંડીર, ટ્રસ્ટી બ્રિજેશભાઈ મંડીર, આચાર્યા અલ્પાબેન જોશી, રમેશભાઈ વ્યાસ, શાળાનો શૈક્ષણિક સ્ટાફ તથા છાત્ર-છાત્રાઓ તેમજ કે. જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલના શૈક્ષણિક સ્ટાફ અને વિજ્ઞાન જાગૃતોએ રેલીમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જાથાના દિનેશભાઈ હુંબલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુભાઈ યાદવ, રમેશ પરમાર, અમીયલભાઈ બાદી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, ટ્રાફિક બ્રાન્ચ તથા પોલીસ કમિશ્નરની સ્પેશ્યલ બ્રાન્ચ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતા ભારત જન વિજ્ઞાન જાથાએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

RELATED ARTICLES

Most Popular

Recent Comments