
કચ્છ: જિલ્લામાં મેઘરાજા મહેરબાન : કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સતત વરસાદના કારણે જિલ્લાના નાના-મોટા જળાશયો અને તળાવો તરફ પાણીની આવકમાં વધારો થયો છે. ખાસ કરીને ભુજના મોટા બંધમાં ભારે પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ રહી છે. વરસાદી પાણીની આવક વધતા જળસંગ્રહની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

હમીરસર તળાવમાં પણ પાણીની આવક વધી : ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં પણ પાણીની આવક વધી છે. તળાવમાં પાણી પહોંચતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હમીરસર તળાવમાં પાણીની આવક કચ્છના વરસાદી વાતાવરણમાં નોંધપાત્ર ઘટના માનવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કચ્છના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતો માટે પણ આ વરસાદ આશાસ્પદ બન્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે છે કે કેમ તેના પર સૌની નજર છે.

24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર : કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવતા જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં સરેરાશ 2થી 7 ઈંચ સુધી વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણીની આવક થઈ છે. લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

24 કલાકમાં અંજાર તાલુકામાં સૌથી વધુ સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો : છેલ્લા 24 કલાકમાં અંજાર તાલુકામાં સૌથી વધુ સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીધામમાં પોણા 5 ઈંચ અને ભચાઉમાં સાડા 4 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી પહોંચતાં ખરીફ પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. આ ઉપરાંત મુન્દ્રામાં સાડા 3 ઈંચ, ભુજમાં સવા 3 ઈંચ, લખપતમાં 3 ઈંચ અને રાપરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થતાં સમગ્ર કચ્છમાં મેઘમહેરનો માહોલ છવાયો છે.

ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત : સારા વરસાદથી ખાસ કરીને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત મળી છે. વરસાદના અભાવે ચિંતિત ખેડૂતોમાં હવે પાકને પૂરતું પાણી મળવાની આશા બંધાઈ છે, જ્યારે પશુપાલકો માટે પણ ઘાસચારા અને પાણીની ઉપલબ્ધતામાં સુધારો થવાની શક્યતા છે.

વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી : કચ્છના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તો જિલ્લામાં પાણીની સ્થિતિ અને ખેતી માટે વધુ રાહત મળવાની સંભાવના છે.




















