20થી વધુ બહેનોએ સમગ્ર શ્રાવણમાસ દરમિયાન જોડાઈ સેવા આપી, 51 દીકરીઓના સમૂહલગ્નનો પણ સંકલ્પ

મોરબી: 15 સપ્ટેમ્બર, 2026: અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. દર વર્ષની સેવાપરંપરા જાળવી આ વર્ષે પણ શ્રાવણમાસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો માટે વિશેષ રસોડું ચલાવી સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન ચાલેલા આ સેવાકાર્યમાં દરરોજ 20થી વધુ બહેનોએ જોડાઈ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી.

સેવાકાર્ય અંતર્ગત ગ્રુપની બહેનો દ્વારા દરરોજ અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી અને મોરબીના નવલખી રોડ, આવાસ વિસ્તાર, કામધેનું વિસ્તાર, ઘુનડા રોડ, લીલાપર રોડ સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો અને લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

શ્રાવણમાસના ચારેય સોમવારે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીરો, દાબેલી, વઘારેલા ભાત, બટાકા પૌંઆ, વધારેલી ખીચડી, લાડવા-ભાજી, ભુંગરા બટાકા, ફરાળી ચેવડો, મિક્સ ચેવડો, ગુંદી-ગાંઠિયા અને પાંઉભાજી સહિતની વિવિધ વાનગીઓ બનાવી જરૂરિયાતમંદોને પ્રેમપૂર્વક પીરસવામાં આવી હતી.

આ ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતી ગર્ભવતી મહિલાઓ માટે પણ સીરો તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, સમગ્ર શ્રાવણમાસ દરમિયાન ગ્રુપની બહેનોએ સેવાભાવ સાથે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

51 દીકરીઓના સમૂહલગ્નનો સંકલ્પ

શ્રાવણમાસના સેવાકાર્યને પૂર્ણ કર્યા બાદ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ સેવાકીય આયોજનની જાહેરાત કરવામાં આવી છે. આગામી 20 જાન્યુઆરી, 2027ના રોજ માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી 51 દીકરીઓના સમૂહલગ્ન યોજવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ તથા આગામી નવરાત્રિ દરમિયાન પણ દીકરીઓને લ્હાણી સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની આ સેવાપ્રવૃત્તિઓ સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી મદદ અને માનવતાનો સંદેશ પહોંચાડવાનું કાર્ય કરી રહી છે.



















