HomeAllમોરબી: શિક્ષકોના નામ આગળ ‘Tr.’ ઉપસર્ગને સત્તાવાર માન્યતા આપવા માંગ

મોરબી: શિક્ષકોના નામ આગળ ‘Tr.’ ઉપસર્ગને સત્તાવાર માન્યતા આપવા માંગ

મોરબીથી શિક્ષકની વ્યાવસાયિક ઓળખ, ગૌરવ અને સન્માન માટે ઉઠ્યો અવાજ

મોરબી, 15 સપ્ટેમ્બર, 2026: શિક્ષક માત્ર શિક્ષણ આપનાર વ્યક્તિ નથી, પરંતુ ભાવિ પેઢીના ઘડવૈયા, સંસ્કારદાતા અને રાષ્ટ્રનિર્માણના પાયાના શિલ્પી છે. શિક્ષકની આ વિશિષ્ટ ભૂમિકા અને વ્યાવસાયિક ઓળખને સમાજમાં વધુ ગૌરવપૂર્ણ સ્થાન મળે તે હેતુથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નો.ક.) કર્મચારી મંડળ, ગાંધીનગર – મોરબી ઘટક તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી દ્વારા રાજ્યના શિક્ષકોના નામ આગળ ‘Tr.’ (Teacher) ઉપસર્ગના સત્તાવાર ઉપયોગને મંજૂરી આપવા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આ માંગને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, મોરબી ખાતે રૂબરૂ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. શિક્ષકોની લાગણી અને માંગને સરકારના સંબંધિત તંત્ર સુધી પહોંચાડી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

‘Dr.’, ‘Adv.’ અને ‘Prof.’ની જેમ શિક્ષક માટે ‘Tr.’ની ઓળખની માંગ

રજૂઆતમાં જણાવાયું છે કે સમાજમાં વિવિધ ક્ષેત્રના વ્યવસાયિકોની ઓળખ માટે તેમના નામ આગળ ‘Dr.’, ‘Adv.’ અને ‘Prof.’ જેવા ઉપસર્ગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપસર્ગો માત્ર સંબોધન પૂરતા મર્યાદિત નથી, પરંતુ સંબંધિત વ્યક્તિની વ્યાવસાયિક ઓળખ, વિશેષતા અને જવાબદારીનું પ્રતિનિધિત્વ કરે છે.

તે જ રીતે શિક્ષકની ભૂમિકા પણ સમાજમાં અનન્ય છે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ સંસ્કાર, શિસ્ત, મૂલ્યો, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવનાનું સિંચન કરે છે. શિક્ષકના માર્ગદર્શનથી ઘડાયેલી પેઢી જ સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરે છે.

આથી શિક્ષકની આ વિશિષ્ટ ભૂમિકાને અનુરૂપ તેમના નામ આગળ ‘Tr.’ (Teacher) ઉપસર્ગના સત્તાવાર ઉપયોગને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

‘Tr.’ ઉપસર્ગ શિક્ષકના ગૌરવની ઓળખ બનશે

સંગઠનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ‘Tr.’ ઉપસર્ગનો હેતુ અન્ય કોઈ વ્યવસાય સાથે સમકક્ષતા દર્શાવવાનો નથી, પરંતુ શિક્ષકના વ્યવસાયની આગવી ઓળખ અને ગૌરવને સન્માન આપવાનો છે.

શિક્ષક સમાજ માટે જરૂરી માનવસંસાધનના ઘડતરમાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. ડૉક્ટર, ઇજનેર, વૈજ્ઞાનિક, અધિકારી, ઉદ્યોગસાહસિક કે અન્ય ક્ષેત્રના નિષ્ણાતોના ઘડતરની શરૂઆત પણ શિક્ષકના વર્ગખંડથી જ થાય છે. તેથી શિક્ષકને તેની વ્યાવસાયિક ઓળખ સાથે ગૌરવપૂર્ણ સંબોધન મળે તે શિક્ષક સમાજ માટે આત્મસન્માન અને પ્રેરણાનું પ્રતીક બની શકે છે.

રજૂઆતના મુખ્ય હેતુઓ

• શિક્ષકોમાં આત્મગૌરવ અને વ્યાવસાયિક ગૌરવની ભાવના વધુ મજબૂત કરવી. • સમાજમાં શિક્ષકના જવાબદારીસભર વ્યવસાયની આગવી ઓળખ સ્થાપિત કરવી. • શિક્ષકોના મનોબળમાં વધારો કરી તેમને વધુ ઉત્સાહપૂર્વક શિક્ષણકાર્ય માટે પ્રેરિત કરવા. • NEP-2020ના મૂલ્યોને અનુરૂપ શિક્ષકની કેન્દ્રીય ભૂમિકાને વધુ ગૌરવ આપવું. • રાજ્યના શિક્ષક સમાજને એકસમાન અને ગૌરવપૂર્ણ વ્યાવસાયિક ઓળખ આપવી.

શિક્ષકના સન્માન માટે મોરબીથી ઉઠેલો અવાજ: આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક, અધિકારી, વૈજ્ઞાનિક, ડૉક્ટર, ઇજનેર, ઉદ્યોગસાહસિક કે નેતા બને છે અને તેના ઘડતરની શરૂઆત શિક્ષકના વર્ગખંડથી થાય છે. તેથી શિક્ષકની ભૂમિકાને માત્ર નોકરી કે વ્યવસાય પૂરતી મર્યાદિત ન રાખી સમાજઘડતર સાથે જોડાયેલી ગૌરવપૂર્ણ વ્યાવસાયિક ઓળખ આપવામાં આવે તે જરૂરી હોવાનું સંગઠનો દ્વારા રજૂઆતમાં જણાવાયું છે.

આ સંદર્ભે શિક્ષણ મંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, મોરબી ખાતે રૂબરૂ આપવામાં આવેલા આવેદનપત્રને ધ્યાને લઈ રાજ્યના તમામ શિક્ષકોના નામ આગળ ‘Tr.’ (Teacher) ઉપસર્ગના સત્તાવાર ઉપયોગ માટે જરૂરી મંજૂરી આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષક સમાજની લાગણી અને અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

‘શિક્ષકનું ગૌરવ વધશે, તો શિક્ષણનું ગૌરવ વધશે અને શિક્ષણનું ગૌરવ વધશે તો રાષ્ટ્રનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.’ ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નો.ક.) કર્મચારી મંડળ, ગાંધીનગર – મોરબી ઘટક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી

RELATED ARTICLES

Most Popular

Recent Comments