HomeAllમોરબી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સની અસરઃ 9 મહિનામાં રૂ.2,475 કરોડનું રોકાણ,...

મોરબી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સની અસરઃ 9 મહિનામાં રૂ.2,475 કરોડનું રોકાણ, 41 ઉદ્યોગોમાં ઉત્પાદન શરૂ

મોરબી: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-2026માં રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ બાદ મોરબી જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર મૂડીરોકાણ જોવા મળ્યું છે. કોન્ફરન્સ દરમિયાન થયેલા MoU પૈકી મોટાભાગના કરારો હવે વાસ્તવિક ઉદ્યોગોમાં પરિવર્તિત થયા છે. જિલ્લામાં કુલ 50 ઔદ્યોગિક એકમો માટે રૂ.2,475.41 કરોડના મૂડીરોકાણનું આયોજન થયું હતું, જેમાંથી 41 એકમોમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

કુલ 50 એકમોમાંથી 41 એકમો એટલે કે 82 ટકા એકમો કાર્યરત થઈ ચૂક્યા છે. આ 41 એકમોમાં રૂ.1,369.91 કરોડનું મૂડીરોકાણ થયું છે. જ્યારે બાકીના 9 પ્રોજેક્ટ્સમાં રૂ.1,105.50 કરોડનું રોકાણ અમલીકરણના તબક્કામાં છે. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં કાર્યરત થતાં મોરબી જિલ્લામાં ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.

મોરબીમાં સિરામિક સાથે ઉદ્યોગોના વૈવિધ્યકરણને વેગ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના જનરલ મેનેજર એસ. બી. પારેજીયાના જણાવ્યા મુજબ સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબી જિલ્લામાં હવે પરંપરાગત સિરામિક ઉદ્યોગ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પણ રોકાણ વધી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ અંતર્ગત રિન્યુએબલ એનર્જી, સિમેન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, પેકેજિંગ, બેબી ડાયપર, એગ્રો-પ્રોસેસિંગ, પ્લાસ્ટિક અને અન્ય ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકોએ રોકાણ કર્યું છે.

માળિયા મિયાણા તાલુકામાં સૌથી વધુ મૂડીરોકાણ

તાલુકાવાર આંકડા મુજબ માળિયા મિયાણા તાલુકો રૂ.1,228.50 કરોડના મૂડીરોકાણ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યો છે. અહીં 5 એકમો માટે રોકાણ થયું છે. મોરબી તાલુકામાં 24 એકમોમાં રૂ.836.74 કરોડ, ટંકારા તાલુકામાં 12 એકમોમાં રૂ.205.75 કરોડ, વાંકાનેર તાલુકામાં 7 એકમોમાં રૂ.175.95 કરોડ અને હળવદ તાલુકામાં 2 એકમોમાં રૂ.28.47 કરોડનું રોકાણ થયું છે.

મોટા રોકાણોમાં સિરામિક, સિમેન્ટ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આગળ

મોરબી જિલ્લામાં થયેલા મોટા રોકાણોમાં સિમ્પોલો ઇન્ટરનેશનલ પ્રા. લિ. દ્વારા માળિયા મિયાણા તાલુકામાં સિરામિક ટાઇલ્સ ક્ષેત્રે રૂ.700 કરોડનું રોકાણ મહત્વપૂર્ણ છે. આ એકમમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. માળિયા મિયાણા તાલુકામાં વાસુકી સિમેન્ટ પ્રા. લિ. દ્વારા રૂ.500 કરોડના રોકાણ સાથે સિમેન્ટ ઉત્પાદન માટેની કામગીરી ચાલી રહી છે.

મોરબીમાં સાસલ એનર્જી પ્રા. લિ. દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ.400 કરોડનું રોકાણ અમલીકરણ હેઠળ છે. સેગા ટાઇલ્સ પ્રા. લિ. દ્વારા સિરામિક ક્ષેત્રે રૂ.125 કરોડનું રોકાણ કરીને ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. સાહેબ ફાઇબર પ્રા. લિ., ટંકારા અને બોફો સ્ટોન એલએલપી, મોરબી દ્વારા ટેકનિકલ ટેક્સટાઇલ અને સિરામિક ક્ષેત્રે રૂ.100-100 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

ટેક્સટાઇલથી ફાર્મા સુધી નવા ક્ષેત્રોમાં રોકાણ

ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે સાહેબ ફાઇબર દ્વારા રૂ.100 કરોડ, રાજેશ્વરી પ્રોસેસ દ્વારા રૂ.60 કરોડ તથા ફાઇન ફેબ અને રાધાલક્ષ્મી સ્પિનટેક્સ દ્વારા રૂ.20-20 કરોડનું રોકાણ થયું છે. આ ક્ષેત્રમાં કુલ રૂ.200 કરોડનું રોકાણ નોંધાયું છે.

મેટલ અને મિનરલ્સ ક્ષેત્રે સ્પેરોક્સ ટાઇલ્સ દ્વારા રૂ.68 કરોડ, સુપેરા ગ્રેનિટો દ્વારા રૂ.51 કરોડ, ક્યુરો ગ્રેનિટો દ્વારા રૂ.23.45 કરોડ અને ઇલોક્સ ટાઇલ્સ દ્વારા રૂ.20.29 કરોડ સહિત 6 એકમોમાં કુલ રૂ.184.19 કરોડનું રોકાણ થયું છે.

ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રે પણ મોરબી જિલ્લામાં નવા પ્રોજેક્ટ્સ આવ્યા છે. વાંકાનેરમાં આર્નિયા બાયોડોમ દ્વારા રૂ.24 કરોડ, હળવદમાં એક્વા ચાર્જ લાઇફસાયન્સ દ્વારા રૂ.26 કરોડ અને મોરબીમાં વિહાના હેલ્થ કેર દ્વારા બેબી ડાયપર ઉત્પાદન માટે રૂ.18 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

20થી વધુ નાના-મધ્યમ એકમોમાં પણ રોકાણ

પ્લાસ્ટિક, પોલીપેક, વુવન સેક, લેમી ટ્યુબ્સ, દોરડા, વેરહાઉસ, ઘડિયાળ અને એગ્રો પ્રોડક્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં 20થી વધુ એકમો માટે રૂ.150 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આથી મોરબી જિલ્લાના ઔદ્યોગિક માળખામાં માત્ર એક જ ક્ષેત્ર પર આધારિત રહેવાને બદલે વિવિધ ઉદ્યોગોના વિસ્તરણની દિશામાં પણ ગતિ જોવા મળી રહી છે.

રૂ.2,475.41 કરોડનું કુલ રોકાણ, 50 ઔદ્યોગિક એકમો

વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 50 ઔદ્યોગિક એકમો માટે રૂ.2,475.41 કરોડના મૂડીરોકાણના કરાર થયા હતા. તેમાંથી 41 એકમોએ ઉત્પાદન શરૂ કરી દીધું છે, જ્યારે 9 પ્રોજેક્ટ્સનું અમલીકરણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થવાની અપેક્ષા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments