HomeAll‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સહિતની વિવિધ કામગીરી હાથ ધરાશે

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સહિતની વિવિધ કામગીરી હાથ ધરાશે

મોરબી, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતાના જનઆંદોલનને વધુ વેગ આપવા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સ્વચ્છતા એ સેવા, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ની ભાવના સાથે યોજાનારા આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. કચેરી પરિસરની સ્વચ્છતા જાળવવા ઉપરાંત રેકર્ડનું વર્ગીકરણ, પડતર અને નકામા સામાનનો નિકાલ, ભૌતિક ફાઇલો તથા બિનઉપયોગી વસ્તુઓ દૂર કરવી, જૂના વાહનોની રદબાતલ પ્રક્રિયા તેમજ ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ જેવી કામગીરી કરવામાં આવશે.

અભિયાનના સુચારુ અમલીકરણ માટે કચેરીઓના નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો એકત્રિત કરવામાં આવશે. આ સાથે કામગીરીના ફોટોગ્રાફ્સ, ડિજિટલાઇઝેશન, ઈ-વેસ્ટ તથા નકામા સામાનના નિકાલ સહિતની વિગતોનું સંકલન કરવામાં આવશે.

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત સરકારી કચેરીઓમાં કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન માટે નકામા સામાનના નિકાલને ૨૦ ટકા, રેકર્ડ વર્ગીકરણને ૩૦ ટકા તથા ભંગાર અને ઈ-વેસ્ટના નિકાલ તેમજ કચેરી સંકુલની સ્વચ્છતાને ૫૦ ટકા ગુણભાર આપવામાં આવશે.

અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કચેરીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાન દ્વારા સરકારી કચેરીઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થિત રેકર્ડ વ્યવસ્થાપન અને કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપી સ્વચ્છ અને કાર્યક્ષમ કાર્યપરિસરનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments