
વાંકાનેર: જયેન્દ્રસિંહ ઝાલા, યુવા સારથી સંગઠન પ્રમુખ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કેમ્પ દરમિયાન કુલ 334 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ, સહયોગી સંસ્થાઓ, કાર્યકરો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે યુવા સારથી સંગઠન દ્વારા તમામ સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકરો, સ્વયંસેવકો અને રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે સૌએ સમય ફાળવી વ્યવસ્થા સંભાળી હતી તેમજ રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કેમ્પ દરમિયાન રક્તદાન કરનાર દરેક રક્તદાતાની સેવા અને સહકારને સંગઠન દ્વારા વિશેષ બિરદાવવામાં આવ્યો હતો. એકત્રિત થયેલું 334 બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે અને આ સેવાકાર્ય સમાજમાં માનવતા, સહકાર તથા સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

યુવા સારથી સંગઠને આગામી સમયમાં પણ આવા સેવાકીય અને લોકહિતના કાર્યોમાં સમાજના સૌ વર્ગના લોકોનો સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સંગઠન તરફથી મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ, સેવાકાર્યોમાં જોડાયેલા કાર્યકરો અને સહયોગી સંસ્થાઓનો જયેન્દ્રસિંહ ઝાલાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. (અહેવાલ : અજય કાંજીયા)






















