
મોરબી: ૨૬ સપ્ટેમ્બર, ભારતીય સેનામાં ફરજ બજાવી માતૃભૂમિની સેવા કર્યા બાદ મોરબી પરત ફરેલા પિયુષ બોપલીયા છેલ્લા ૯ વર્ષથી લોકહિત અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. ‘યુવા શક્તિ ગ્રુપ’ના માધ્યમથી તેમણે સેનાની શિસ્ત અને રાષ્ટ્રપ્રેમને સમાજસેવાના સંકલ્પ સાથે જોડીને મોરબીના યુવાનોને રાષ્ટ્રહિત, સામાજિક જવાબદારી અને જરૂરિયાતમંદોની મદદ માટે પ્રેરિત કર્યા છે.

‘યુવા શક્તિ ગ્રુપ’ દ્વારા છેલ્લા ૯ વર્ષ દરમિયાન આરોગ્ય સહાય, રક્તદાન, જીવદયા સહિતના વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. તેમના દ્વારા શરૂ કરાયેલ ‘રક્તસેતુ’ અભિયાન અંતર્ગત હેન્ડ-ટુ-હેન્ડ બ્લડ ડોનેશનની સેવા દ્વારા મોરબી જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને ૨૪ કલાક અને ૩૬૫ દિવસ તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ‘જીવનસેતુ’ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને શ્વાસનો સહારો મળી રહે તે માટે ઓક્સિજન મશીનની નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે. બાળકોના સર્વાંગી શારીરિક અને માનસિક વિકાસ માટે દર પુષ્ય નક્ષત્રે નિયમિત સુવર્ણપ્રાશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

પિયુષ બોપલીયા આજે પોતાના જીવનના ૩૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમાજસેવાને જીવનનો સંકલ્પ બનાવી સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આગળ વધી રહેલા પિયુષ બોપલીયા (યુવા શક્તિ ફાઉન્ડેશન: Mo. ૯૩૪૯૩ ૯૩૬૯૩)ને જન્મદિવસ નિમિત્તે સામાજિક આગેવાનો, સ્નેહીઓ અને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






















