HomeAllનવરાત્રિમાં ધૂણવાના રાસથી બાળાઓને દૂર રાખવા વિજ્ઞાન જાથાનો અનુરોધ

નવરાત્રિમાં ધૂણવાના રાસથી બાળાઓને દૂર રાખવા વિજ્ઞાન જાથાનો અનુરોધ

અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2026: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબી-ગરબામાં ધૂણવાના રાસને પ્રોત્સાહન ન આપવા અને બાળાઓને આવા રાસથી દૂર રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા વાલીઓ તથા ગરબીના આયોજકોને અપીલ કરવામાં આવી છે.

જાથાના જણાવ્યા મુજબ ધૂણવાના રાસ દરમિયાન શારીરિક થાક, ધુમાડો, ભીડ અને માથાની ઝડપી હલનચલન જેવી પરિસ્થિતિઓ ઊભી થતી હોવાથી બાળાઓના સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી જરૂરી છે. જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે આ વર્ષે તા. 11 ઓક્ટોબરથી તા. 19 ઓક્ટોબર સુધી નવરાત્રિ મહોત્સવની ઉજવણી થનાર છે. વાલીઓ ધૂણવાના રાસનો વિરોધ કરી પોતાની બાળાઓને તેનાથી દૂર રાખે તો આવા રાસને બંધ કરવા માટે સામાજિક સ્તરે સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

જાથાના જણાવ્યા મુજબ તેના પ્રયાસોથી અનેક ગરબી સંચાલકોએ ધૂણવાના રાસ-ગરબા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જાથાએ જણાવ્યું હતું કે ધૂણવાના રાસ દરમિયાન કેટલીક જગ્યાએ ગુગળ અને અગરબત્તીનો ધુમાડો કરવામાં આવે છે, જ્યારે બાળાઓ લાંબા સમય સુધી વાળ ખુલ્લા રાખીને માથું હલાવતી હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ગરમી અને ભીડનું પ્રમાણ વધે છે.

લાંબા સમય સુધી શારીરિક મહેનત અને ધુમાડાવાળા વાતાવરણના કારણે થાક, ચક્કર આવવા, બેભાન થવા અથવા પડી જવા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિ દરમિયાન સલામતી અને પૂરતી હવાની અવરજવર અંગે ખાસ કાળજી રાખવાની જરૂર હોવાનું જાથાએ જણાવ્યું છે. એડવોકેટ જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે ધૂણવાના રાસને કારણે લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય અંગે પણ ચિંતાઓ ઊભી થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે ધૂણવું, સવારી આવવી અથવા આવી સ્થિતિમાં અસામાન્ય શારીરિક ક્રિયાઓ થવી જેવી બાબતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાની અને જરૂર જણાય ત્યારે તબીબી સલાહ લેવાની જરૂર છે. કોઈ વ્યક્તિને ધૂણવા અથવા સવારી દરમિયાન શારીરિક ઈજા થાય, આંચકી આવે, બેભાન થાય અથવા અન્ય તકલીફ જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. જાથાએ સ્પષ્ટ કર્યું છે કે ધૂણવાના રાસનો વિરોધ કરવો એટલે નવરાત્રિ, ગરબી કે માતાજીની ભક્તિનો વિરોધ કરવો નહીં. જાથા દ્વારા નવરાત્રિ મહોત્સવમાં શ્રદ્ધા અને આસ્થાનું સન્માન કરવામાં આવે છે, પરંતુ બાળકો અને બાળાઓના સ્વાસ્થ્ય તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધૂણવાના રાસ જેવી પ્રવૃત્તિઓ અંગે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જાથાના જણાવ્યા મુજબ અગાઉની પરંપરાગત ગરબીમાં ધૂણવાના રાસને વિશેષ સ્થાન ન હતું.

વર્તમાન સમયમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા કેટલીક જગ્યાએ આવા કાર્યક્રમો યોજાતા હોવાનો જાથાએ ઉલ્લેખ કર્યો છે. ગરબીના આયોજકો, વાલીઓ તથા સમાજના આગેવાનો બાળાઓના હિતમાં ધૂણવાના રાસથી દૂર રહેવા માટે પહેલ કરે તેવી અપીલ કરવામાં આવી છે. જાથાએ વધુમાં જણાવ્યું કે વિવિધ સમાજ અને જ્ઞાતિના સમાજ સુધારકો પોતાના સ્તરેથી આવી પ્રથાઓ અંગે જાગૃતિ લાવે અને બાળકો તથા યુવાનોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે. ધૂણવા અથવા સવારી જેવી પરિસ્થિતિ દરમિયાન કોઈ વ્યક્તિને શારીરિક કે માનસિક તકલીફ જણાય તો અખતરા કરવાને બદલે તાત્કાલિક નિષ્ણાત તબીબી સારવાર લેવી હિતાવહ હોવાનું જાથાએ જણાવ્યું છે. દરમિયાન ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આગામી તા. 7 નવેમ્બરે કાળી ચૌદશની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. પોતાના ગામમાં જાથાનો કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ સંપર્ક કરવા જણાવાયું છે.

અંતમાં જાથાએ જણાવ્યું હતું કે પ્રાચીન ગરબીમાં ધૂણવાના રાસ-ગરબાને દૂર રાખવાથી નવરાત્રિ મહોત્સવ, ભક્તિ કે સ્થાનિક સંસ્કૃતિને કોઈ નુકસાન થવાનું નથી. બાળાઓ અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને ગરબીના આયોજકો તથા વાલીઓ આ અંગે યોગ્ય નિર્ણય લે તેવી અપીલ કરવામાં આવી છે. જાથાના નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments