HomeAllમોરબીમાં લોન રિકવરીના નામે ગ્રાહકોને માનસિક-શારીરિક ત્રાસ અંગે ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

મોરબીમાં લોન રિકવરીના નામે ગ્રાહકોને માનસિક-શારીરિક ત્રાસ અંગે ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોનની રકમની વસૂલાત માટે રિકવરી કરનારા વ્યક્તિઓ દ્વારા ગ્રાહકોને થતી કથિત માનસિક તથા શારીરિક હેરાનગતિ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, મોંઘવારીના સમયમાં લોકો પોતાના આશ્રય માટે મકાન લોન તેમજ ધંધા કે વાહન માટે લોન લેતા હોય છે. હાલની મંદીની પરિસ્થિતિને કારણે કેટલાક લોકોની આવકમાં ઘટાડો થતાં તેઓ સમયસર લોનના હપ્તા ભરી શકતા નથી. આવા સંજોગોમાં ફાઇનાન્સ કંપનીઓ તથા બેંકો દ્વારા લોનની વસૂલાત માટે નિયુક્ત કરાયેલા કેટલાક રિકવરી કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

મંડળે રજૂઆતમાં સવાલ ઉઠાવ્યો છે કે, જો કોઈ ગ્રાહક લોનનો હપ્તો સમયસર ભરી ન શકે તો બેંક કે ફાઇનાન્સ કંપનીને લોન સામેની મિલકત અથવા વાહનનો કાયદેસર રીતે કબજો લેવાનો અધિકાર હોઈ શકે છે, પરંતુ વસૂલાતના નામે ગ્રાહક સાથે ગેરવર્તન કે ત્રાસ આપવો યોગ્ય નથી.

રજૂઆત મુજબ, કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકોને ફોન કરીને ધમકાવવામાં આવે છે તેમજ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પરિવારજનો અને બાળકોની હાજરીમાં ગ્રાહકો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ થતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકો તથા તેમના પરિવારજનોને ભારે માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગ્રાહક સુરક્ષા મંડળે સરકાર સમક્ષ સ્પષ્ટ નિયમો જાહેર કરવાની માંગ કરી છે કે લોનની વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી કેવી રીતે કરવી અને રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કઈ પ્રકારની વર્તણૂક રાખવી. સાથે જ, બેંક અથવા ફાઇનાન્સ કંપની દ્વારા રિકવરી માટે વ્યક્તિ મોકલવામાં આવે ત્યારે તેની ઓળખ સ્પષ્ટ થાય તે માટે યોગ્ય પરિચયપત્ર તથા જરૂરી માહિતી આપવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

મંડળે વધુમાં જણાવ્યું છે કે, ગ્રાહકોમાં તેમના અધિકારો અને લોન રિકવરીની કાયદેસર પ્રક્રિયા અંગે જાગૃતિ વધે તે માટે સરકાર દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે.

આ રજૂઆતની નકલ ગાંધીનગર સ્થિત સંબંધિત અધિકારીઓ તેમજ મોરબીના એસ.પી. અને કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments