HomeAllમહુવામાં ડાકણના ખોટા આરોપનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

મહુવામાં ડાકણના ખોટા આરોપનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

મહુવામાં પિતૃકાર્ય વિધિ દરમિયાન વૃદ્ધા ઉપર ડાકણ-ચુડેલનો ખોટો આરોપ મુકાયો, વિજ્ઞાન જાથાની દરમિયાનગીરી બાદ યુવકે કબુલાતનામું આપી પરિવારની માફી માંગી

મહુવા: પિતૃકાર્ય અને શાંતિ યજ્ઞની ધાર્મિક વિધિ દરમિયાન વૃદ્ધા ઉપર ડાકણ-ચુડેલ તથા અશાંતિ ફેલાવવાના ખોટા આરોપો મુકવામાં આવતા વિજ્ઞાન જાથાની ટીમે મહુવા પોલીસની મદદથી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. યુવકે પોતાની ભૂલ સ્વીકારી કમુબેન પરિવારની જાહેરમાં માફી માંગી કબુલાતનામું આપતાં મામલો થાળે પડ્યો હતો. વિજ્ઞાન જાથા દ્વારા આ ઘટનાને ૧૨૯૦મો સફળ પર્દાફાશ ગણાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મહુવા જાદરા રોડ, બેબીલેન્ડ પાસે રહેતા અમન કનુભાઈ ખોડીફાસના ઘરે તેમના પિતા કનુભાઈના મોક્ષાર્થે પિતૃકાર્ય, શાંતિ યજ્ઞ તથા અન્ય ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમન દ્વારા ધુણતાં આશરે એક કલાક સુધી કમુબેનનું નામ લઈ તેમના કારણે ઘરમાં અશાંતિ છે તેમજ ભારે નજર અને ડાકણ-ચુડેલ જેવા આરોપો મુકવામાં આવ્યા હોવાની રજૂઆત વિજ્ઞાન જાથા સમક્ષ કરવામાં આવી હતી.

આક્ષેપોના કારણે કમુબેન અને તેમના પરિવારને સામાજિક તથા માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રજૂઆત મુજબ બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી કોઈ ખાસ વ્યવહાર કે સંબંધ નહોતો અને કમુબેન સામે કરવામાં આવેલા આરોપો માટે કોઈ આધારભૂત પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નહોતા. કનુભાઈનું વર્ષ ૨૦૧૫માં અવસાન થયું હોવાના સંદર્ભમાં પણ તેમના પિતૃકાર્ય દરમિયાન જીવિત વ્યક્તિને અશાંતિનું કારણ ગણાવવાના આક્ષેપો અંગે સવાલો ઉભા થયા હતા.

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સમગ્ર ઘટનાની તપાસ કરી પીડિત પરિવારની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ, ભાવનગર રેન્જ આઈ.જી.પી., જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને જાણ કરી મહુવા પોલીસની મદદ માંગવામાં આવી હતી. મહુવા ટાઉન પોલીસના પી.આઈ. બી.એમ. કરમઢાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને જાથાની ટીમ સાથે મોકલવામાં આવ્યો હતો.

રાજકોટથી જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, સાહિલ રાજદેવ, ખુમાણ બંધુઓ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા સહિતની ટીમ મહુવા પહોંચી હતી. પોલીસની હાજરીમાં જાથાની ટીમ અમન કનુભાઈ ખોડીફાસના ઘરે પહોંચી હતી અને આરોપો અંગે પુરાવા રજૂ કરવા જણાવાયું હતું.

આ દરમિયાન અમનની માતા સહિત અન્ય મહિલાઓ દ્વારા અગાઉથી ચાલી આવતી શંકાઓ અંગે વાત કરવામાં આવી હતી. જાથાની ટીમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, ખાસ કરીને મહિલા ઉપર ડાકણ-ચુડેલ જેવા ખોટા આરોપો મુકવાથી સામાજિક નુકસાન થવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. પોલીસકર્મીઓએ પણ કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપતાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બની હતી.

ત્યારબાદ અમન કનુભાઈ સહિત પરિવારના સભ્યો જાથા સમક્ષ હાજર થયા હતા. પૂછપરછ દરમિયાન અમને પિતૃકાર્યની વિધિ દરમિયાન ૩૦થી ૬૦ મિનિટ સુધી ધુણવાની અને તે દરમિયાન કમુબેનનું નામ બોલાઈ જવાની હકીકત સ્વીકારી હતી. કમુબેન નિર્દોષ હોવાનું અને તેમની સામે કરવામાં આવેલા આરોપો માટે કોઈ આધારભૂત પુરાવા ન હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું હતું.

અમન કનુભાઈએ આપેલા કબુલાતનામામાં પિતૃકાર્યની વિધિ દરમિયાન ધુણતાં કમુબેનનું નામ બોલાઈ ગયું હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે પોતાના આરોપોને ખોટા અને બેબુનિયાદ ગણાવી કમુબેન તથા રામજીભાઈ પરિવારની માફી માંગી હતી. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી સૌની હાજરીમાં કબુલાતનામા પર સહી કરી હતી.

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતું કે કોઈપણ મહિલા કે વ્યક્તિ ઉપર ડાકણ, ચુડેલ અથવા અન્ય અંધશ્રદ્ધા આધારિત ખોટા આરોપો મૂકવા ગંભીર બાબત છે. આવા આરોપો માટે પુરાવા જરૂરી છે અને ખોટા આરોપો કાયદાકીય કાર્યવાહીનું કારણ બની શકે છે. સમગ્ર પ્રકરણમાં અમન કનુભાઈએ પોતાની ભૂલ સ્વીકારી કબુલાતનામું આપતાં જાથા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સમગ્ર કામગીરીમાં મહુવા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.એમ. કરમઢા, એ.એસ.આઈ. એચ.એ. કપાસી, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચુડાસમા, પી.આર. ભાદરકા સહિતના પોલીસકર્મીઓએ સહયોગ આપ્યો હતો. વિજ્ઞાન જાથાએ મહુવા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

વિજ્ઞાન જાથા દ્વારા જણાવાયું છે કે રાજ્યમાં કોઈ પરિવારને અંધશ્રદ્ધા, ડાકણ-ચુડેલના ખોટા આરોપો અથવા ભુવા સહિતની પ્રવૃત્તિઓના કારણે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય તો તેની જાણ વિજ્ઞાન જાથાના મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર કરી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments