HomeAllમોરબીની મયુર ડેરીએ પશુપાલકોને આપ્યો મોટો લાભ, દૂધના ખરીદ ભાવમાં રૂ. ૩૦નો...

મોરબીની મયુર ડેરીએ પશુપાલકોને આપ્યો મોટો લાભ, દૂધના ખરીદ ભાવમાં રૂ. ૩૦નો વધારો

મોરબી : મયુર ડેરીની ૧૦મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૩૦નો વધારો કરી નવો ખરીદ ભાવ રૂ. ૯૦૦ પ્રતિ કિલો ફેટ જાહેર કરવામાં આવતા દૂધ ઉત્પાદક સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને આવકાર્યો હતો.

મોરબીના નાની વાવડી ખાતે પટેલ સમાજ વાડીમાં વર્ષ ૨૦૨૫-૨૬ની ૧૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં સંઘના ચેરમેન સંગીતાબેન કગથરાએ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને સંઘની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ, પશુપાલકો, કમિટી સભ્યો તથા સંઘના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં રજૂ થયેલા અહેવાલ મુજબ મોરબી જિલ્લાની ૩૦૭ દૂધ મંડળીઓ મારફતે સરેરાશ ૧.૩૫ લાખ કિલો દૂધનું દૈનિક સંપાદન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટે રૂ. ૮૬૩ ચૂકવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫-૨૬ના અંતે સંઘનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૨૭૫.૦૨ કરોડ નોંધાયું હતું, જ્યારે સંઘે રૂ. ૯૭.૨૩ લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

સભાના અંતે પશુપાલકોને સીધો આર્થિક લાભ મળે તે હેતુથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૩૦નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે હવે દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટ રૂ. ૯૦૦ રહેશે. આ નિર્ણયથી દૂધ ઉત્પાદક પશુપાલકોને દૂધ ઉત્પાદનના બદલામાં વધુ આવક પ્રાપ્ત થશે.

પશુપાલકોના પશુઓના પોષણ અને આર્થિક સદ્ધરતા માટે સંઘ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ દરમિયાન દૂધ મંડળીઓ મારફતે ૧૯૧૨ મેટ્રિક ટન અમૂલ દાણ પૂરું પાડવામાં આવ્યું હોવાનું પણ સભામાં જણાવાયું હતું. ઉપરાંત પશુ સ્વાસ્થ્ય, ઓલાદ સુધારણા અને સહકાર વિકાસ માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

મયુર ડેરી દ્વારા સભાસદોના સામાજિક અને પારિવારિક સુરક્ષાને પણ મહત્વ આપવામાં આવે છે. કોઈ દૂધ ઉત્પાદક સભાસદના અવસાન પ્રસંગે તેમના પરિવારને રૂ. ૮૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે જ સભાસદોને રૂ. ૫ લાખનું અકસ્માત વીમા કવચ પણ આપવામાં આવે છે.

આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર સુમિતકુમાર, કમિટી મેમ્બરો સહિત મોટી સંખ્યામાં સભાસદો અને દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments