HomeAllસરહદના સપૂતોના શૌર્યને નતમસ્તક વંદન : મોરબીમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો

સરહદના સપૂતોના શૌર્યને નતમસ્તક વંદન : મોરબીમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો

મોરબી, 1 ઓક્ટોબર 2026: મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિરપર સ્થિત નવયુગ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમારોહમાં દેશની સરહદોનું અહર્નિશ રક્ષણ કરનાર વીર સૈનિકો અને તેમના પરિવારજનોનું સાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વીર જવાનોના અપ્રતિમ સમર્પણ, શૌર્ય અને દેશભક્તિને બિરદાવતાં જણાવ્યું હતું કે, માતૃભૂમિની રક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવતા સૈનિકો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ દરેક નાગરિકનું કર્તવ્ય છે. તેમણે સૈનિકોની વીરતા, ત્યાગ અને બલિદાનને નતમસ્તક વંદન કરી માતૃભૂમિ માટે પોતાના સપૂતો અર્પણ કરનાર વીર માતા-પિતાને પણ ભાવપૂર્વક વંદન કર્યા હતા.

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સૈનિકોના સન્માન અને કલ્યાણની પરંપરા વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું. ભારતના સાંસ્કૃતિક તથા વૈશ્વિક ઉત્થાનમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી તેમણે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવાશક્તિને સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દેશના વીર સૈનિકો સરહદ પર અડીખમ રહી રાષ્ટ્રની સુરક્ષા કરે છે. તેમનું અપ્રતિમ શૌર્ય અને નિઃસ્વાર્થ બલિદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. ગુજરાત એક સરહદી રાજ્ય હોવાથી રાજ્યના વધુને વધુ યુવક-યુવતીઓ સશસ્ત્ર સેનાઓમાં જોડાઈ દેશસેવામાં યોગદાન આપે તે સમયની માંગ છે તેમ જણાવી તેમણે અમર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સમારોહ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રગૌરવ અને દેશપ્રેમની લાગણી પ્રસરાવી હતી.

આ સન્માન સમારોહમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અગ્રણી જયંતીભાઈ પટેલ, સ્થાનિક પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, સૈનિક પરિવારજનો તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments