HomeAllમચ્છુ-2 ડેમમાં માત્ર 2444 MCFT પાણી : રવિ પાકને કરોડોના નુકસાનનો ખતરો

મચ્છુ-2 ડેમમાં માત્ર 2444 MCFT પાણી : રવિ પાકને કરોડોના નુકસાનનો ખતરો

મોરબી મોરબીનો મચ્છુ-2 ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે જોકે, ચાલુ વર્ષે ચોમાસામાં પાછોતરો વરસાદ ન થવાના કારણે આ ડેમ આજની તારીખે 100 ટકા ભરાયેલ નથી જેથી વર્ષના અંતે પીવાના પાણીના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી તેવા સમયે શિયાળુ પાક લેવા માટે ખેડૂતો દ્વારા મચ્છુ-2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે અને જો ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળે તો તે લોકોને શિયાળુ પાકની સીઝન ગુમાવી પડે અને કરોડોનું નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

ચાલુ વર્ષે ચોમાસામાં પ્રથમ રાઉન્ડમાં જ ખૂબ સારો વરસાદ થયો હતો જેથી મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ કે જે મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન ડેમ છે આ ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો અને ડેમના દરવાજા ખોલીને મચ્છુ નદીમાં 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી જોકે, ચોમાસુ બાકી હોવાથી રૂલ લેવલ સુધી ડેમમાં પાણી રાખીને વધારાનો જળ જથ્થો નદીમાં છોડી દેવમાં આવ્યો હતો

પરંતુ પાછોતરો વરસાદ ન થવાના કારણે આજની તારીખે ડેમ 100 ટકા ભરાયેલ નથી અને મોરબી તથા માળિયા તાલુકાના 18 ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આ ડેમ મારફતે આપવામાં આવતું હોય છે પણ સિંચાઈ માટેનું પાણી આ વર્ષે મળશે કે કેમ તે સવાલ ઊભો થયો છે જો પાણી ન મળે તો ખેડૂતોને આર્થિક મોટું નુકસાન સહન કરવું પડશે આટલું જ નહીં પરંતુ ઘઉં, ચણા, જીરું વગેરે જેવા પાકની ઉપજ પણ ઘટશે જેથી બજારમાં તેની અછત ઉભી થાય તેવી શક્યતાઓ માનસર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરીયાએ વ્યક્ત કરી છે. મચ્છુ-2 ડેમમાંથી કેનાલ મારફતે જે પાણી છોડવામાં આવતું હોય છે તે મેળવીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર શિયાળુ પાક લેવા માટેનું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે સ્થાનિક જળાશયોમાંથી ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવી શકે અને પાક લઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી કેનાલ આધારે જ 18 ગામના ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે પરંતુ જો કેનાલમાં સિંચાઈ માટેનું પાણી ન આપવામાં આવે તો મોરબી તાલુકાના 16 અને માળિયા તાલુકાના 2 આમ કુલ મળીને 18 ગામના ખેડૂતો ને શિયાળુ પાક કેવી રીતે લેવો તે પ્રશ્ન ઊભો થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી જેથી સિંચાઈ માટેનું પાણી જોઈએ છે. તેના 1 મહિના જુદાજુદા ગામના સરપંચો અને આગેવાનો દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરીને તા.

28/10 થી કેનાલમાં પાણી છોડવા માટેની માંગ કરવામાં આવી છે. તેવી માહિતી જેપુર ગામના સરપંચ હર્ષદભાઈ કાવઠીયા દ્વારા આપવામાં આવી છે. મચ્છુ 2 ડેમના મદદનીસ ઇજનેર આર. જે. પરમારએ જણાવ્યું હતું કે, મોરબીના મચ્છુ 2 ડેમમાં 3104 એમસીએફસી જેટલું પાણી સંગ્રહ કરી શકાય છે જોકે, આજની તારીખે આ ડેમની અંદર માત્ર 2444 એમસીએફટી જેટલો જ પાણીનો જથ્થો છે અને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો અને સરપંચો દ્વારા સિંચાઈ માટે પાણીની રજૂઆત કરવામાં આવી છે તેની હાલમાં વડી કચેરીએ જાણ કરવામાં આવી છે.

અને ખેડૂતો દ્વારા જે સિંચાઈ માટેના પાણીની માંગણી કરવામાં આવી છે તે પાણી આપવું હોય તો અંદાજે 700 થી 800 એમસીએફટી જેટલો જળ જથ્થો કેનાલમાં છોડવો પડશે તો 7000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણી મળી રહેશે. પરંતુ ડેમની અંદર 100 ટકા પાણીનો જથ્થો નથી ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કેવી રીતે કરવું તે પ્રશ્ન હવે સિંચાઈ વિભાગના અધિકારીઓને મૂંઝવી રહ્યો છે

સામાન્ય રીતે ચોમાસામાં સારો વરસાદ થવાથી સ્થાનિક જળાશયોમાં પાણી ભરાઈ જતા હોય છે અને તેના કારણે ખેડૂતો સિંચાઈનું પાણી સરળતાથી મેળવીને શિયાળુ પાક લઈ શકતા હોય છે પરંતુ ચાલુ વર્ષે મેઘરાજાએ બીજા રાઉન્ડમાં મન મૂકીને હેત વરસાવ્યું નથી જેથી આજની તારીખે હજુ તો ચોમાસા વિદાય લેવાની તૈયારીમાં છે ત્યાં કેટલીક જગ્યાએ સ્થાનિક જળાશયોના તળિયા દેખાઈ ગયા છે ત્યારે ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવું કેવી રીતે તે ખેડૂતોને પણ સમજાતું નથી કારણ કે જો કેનાલ મારફતે પાણી ન મળે તો વાવેતર, બિયારણ, ખાતર અને મજૂરી સહિતનો તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ હાલમાં દેખાઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments