HomeAllમોરબીમાં મ્યુનિસિપલ કમિશનરની રાત્રિ ડ્રાઇવથી ગંદકી કરનાર વેપારીઓમાં ફફડાટ

મોરબીમાં મ્યુનિસિપલ કમિશનરની રાત્રિ ડ્રાઇવથી ગંદકી કરનાર વેપારીઓમાં ફફડાટ

ચાર દિવસની સૂચના છતાં સુધારો ન થતાં ૨-૨ હજારનો દંડ, એક જ કલાકમાં રૂ.૪૪ હજારની દંડ વસૂલાત

મોરબી: મોરબી શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર માર્ગો પર થતા દબાણને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીની આગેવાની હેઠળ રાત્રિના સમયે અચાનક ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા ગંદકી અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

સરકારના ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકાની ટીમે અગાઉ ચાર દિવસ પહેલા આ જ વિસ્તારમાં ખાણીપીણીના વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ચાર પ્રકારની ડસ્ટબીન રાખવા તેમજ કચરાનું યોગ્ય રીતે સેગ્રિગેશન કરવા અંગે સૂચનાઓ આપી હતી.

જોકે, ચાર દિવસ બાદ મહાનગરપાલિકાની ટીમે ફરી સ્થળ પર તપાસ કરતા કેટલાક વેપારીઓ દ્વારા અગાઉ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું જણાયું હતું. વિસ્તારમાં ગંદકી યથાવત જોવા મળતા તંત્ર દ્વારા નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાત્રિ ડ્રાઇવ દરમિયાન નિયમોનું પાલન ન કરનાર દરેક વિક્રેતા પાસેથી રૂ.૨,૦૦૦ લેખે દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ટીમે માત્ર એક કલાકની કાર્યવાહી દરમિયાન કુલ રૂ.૪૪,૦૦૦ જેટલો દંડ વસૂલ્યો હતો.

આ ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાની મર્યાદા કરતાં વધુ જગ્યા પર ટેબલો ગોઠવી જાહેર રસ્તા પર નડતર ઊભું કરવામાં આવતું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા આવા નડતરરૂપ ટેબલો હટાવી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જાહેર સ્થળે ગંદકી કરવી, કચરાના નિયમોનું પાલન ન કરવું કે જાહેર માર્ગ પર નડતર ઊભું કરવું ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ નિયમોનો ભંગ ચાલુ રહેશે તો દંડ ઉપરાંત વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી બન્યે વેપારીઓના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments