પોક્સો અને NDPS સહિત ગંભીર ગુનાઓમાં વૈજ્ઞાનિક તપાસ તથા મજબૂત પુરાવા રજૂ કરવા પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલોને માર્ગદર્શન

મોરબી: રાજ્યમાં ગુનેગારોને કાયદેસર સજા અપાવવાનો દર વધારવા તેમજ ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા માટે મોરબી ખાતે ગૃહ વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશનના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કાયદાકીય તાલીમ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સને ગંભીર ગુનાઓની તપાસ અને કોર્ટમાં પુરાવા રજૂ કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબીના નેક્સસ સિનેમા કેમ્પસ સ્થિત હોટલ નેપ્ચ્યુન માનસિંહ ઈન ખાતે યોજાયેલા સેમિનારમાં મોરબી જિલ્લા પોલીસ વડા, ત્રણેય ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના નિવૃત્ત ન્યાયાધીશ તથા ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન અંબાલાલ આર. પટેલે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કન્વિક્શન રેટ વધારવા માટે આ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સેમિનારમાં તપાસ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન થાય અને કોર્ટમાં કેસને મજબૂત રીતે રજૂ કરી શકાય તે માટે વિવિધ મહત્વના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા. બનાવ સ્થળનું પંચનામું અને નકશો તૈયાર કરવાની યોગ્ય પદ્ધતિ, ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર સંબંધિત મેડિકલ સર્ટિફિકેટની પ્રક્રિયા, મરણોન્મુખ નિવેદન નોંધવાની પદ્ધતિ તથા પોસ્ટમોર્ટમ નોટ તૈયાર કરવાની કાયદેસર રીત અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાસ કરીને પોક્સો એક્ટ અને NDPS એક્ટ હેઠળના ગંભીર ગુનાઓમાં તપાસની નાની-નાની કડીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આરોપીઓ સામે કોર્ટમાં ટકી શકે તેવા મજબૂત અને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા તેમજ પુરાવાઓની કાયદેસર પ્રક્રિયા જાળવીને રજૂઆત કરવા અંગે અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. સાથે જ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે નુકસાન ન થાય અને સાચા આરોપીઓ કાયદાકીય ખામીઓનો લાભ લઈને છટકી ન જાય તે બાબત પર પણ ભાર મૂકાયો હતો.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૪થી ઝોન આધારિત આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડલ તરીકે ઓળખાતા આ પ્રયાસની અન્ય રાજ્યો દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. મુંબઈ અને આસામના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન સહિતના અધિકારીઓએ ગુજરાતના આ મોડલનો અભ્યાસ કરવા મુલાકાત લીધી હોવાનું જણાવાયું હતું.

આ પ્રકારના સેમિનારના માધ્યમથી વિવિધ જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો અને કાયદાકીય અધિકારીઓ એક મંચ પર આવી કાયદાકીય પ્રક્રિયા અંગે પરસ્પર ચર્ચા કરી શકે છે. સાથે જ નવા કાયદાકીય ચુકાદાઓ, તપાસની આધુનિક પદ્ધતિઓ અને પુરાવા રજૂ કરવાની અસરકારક રીતો અંગે માહિતી મળવાથી સમગ્ર રાજ્યની પ્રોસીક્યુશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદ મળે છે.

મોરબીમાં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન જિલ્લા સરકારી વકીલ વી. સી. જાની તથા મદદનીશ સરકારી વકીલો એસ. સી. દવે અને એન. ડી. કારીયા સહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



















