
(બપોરે: 3.15 કલાકે ) ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોના રાજ્યવ્યાપી આંદોલનને પગલે સરકારે પીછેહઠ કરી છે અને હાલ તુર્ત આ વિધેયક અટકાવી દીધુ હોવાની ખાતરી હાઇકોર્ટમાં આપવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં આજે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી ખાતરી આપી હતી કે ગુજરાત સરકારે ભાડા વિધેયકને અટકાવી દેવાનો નિર્ણય લીધો છે અને આ મામલે બાર કાઉન્સીલ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. બીલ અટકાવી દેવાનો અર્થ એવો થાય છે કે હાલ તુર્ત તે લાગુ કરવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાડા વિધેયક સામે ગત સપ્તાહથી વકીલોએ આંદોલન શરૂ કર્યુ હતું.

અમદાવાદમાં ત્રણ દિવસ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં આવ્યા બાદ આજે રાજયભરના વકીલોએ કોર્ટ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. ભાડા વિધેયકમાં અદાલતને બદલે સરકારી અધિકારીઓને અધિકાર આપવાની જોગવાઇ કરવામાં આવી છે. વકીલો દ્વારા વહીવટી અધિકારીઓ આ કામગીરી ન કરી શકે અને અદાલતને આધીન જ તે રાખવા માંગ કરવામાં આવી રહી છે. રાજય વ્યાપી આંદોલનને પગલે સરકારે એ વિધેયક અટકાવ્યું છે.
























