
મોરબી, તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૬: ભારતના ચૂંટણી પંચ અને ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ મોરબી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં સતત મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશનો તા.૧ ઓક્ટોબરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારયાદીમાં નામ નોંધાવવાથી વંચિત રહેલા પાત્ર નાગરિકો તેમજ ખાસ કરીને ૧૮થી ૧૯ વર્ષની વયના નવા યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં જોડવાનો છે.

આ વિશેષ અભિયાન અંતર્ગત તા.૧૧, ૧૮ અને ૨૫ ઓક્ટોબર તેમજ તા.૧ નવેમ્બર, ૨૦૨૬ના રવિવારના રોજ મોરબી જિલ્લાના તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે. આ ચારેય દિવસ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) પોતાના મતદાન મથક પર રૂબરૂ હાજર રહેશે.

નાગરિકો જરૂરી આધાર પુરાવાઓ સાથે BLOનો રૂબરૂ સંપર્ક કરી મતદારયાદીમાં નવા નામ ઉમેરવા, નામ કે અન્ય વિગતોમાં સુધારા-વધારા કરવા તેમજ વાંધા અરજી માટેના નિયત ફોર્મ મેળવી સ્થળ પર જ જમા કરાવી શકશે.

લોકશાહીના મહાપર્વમાં દરેક પાત્ર નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મોરબીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢાએ જિલ્લાના તમામ પાત્ર નાગરિકોને આ વિશેષ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.

ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા ૧૮થી ૧૯ વર્ષની વયના યુવાનોને સક્રિયપણે આગળ આવી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ સુનિશ્ચિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.





















