
તા. ૧૮-૧૦-૨૦૨૬: બગથળા ગામે ઠોરિયા પરિવારનાં કુળદેવી રાજમાન રાજેશ્વરી શ્રી બહુચરાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શ્રી બહુચર ધામ ખાતે સમસ્ત ઠોરિયા પરિવાર દ્વારા કરવામાં આવશે. વર્ષ ૨૦૨૫માં આસો સુદ તેરસના પવિત્ર દિવસે માતાજીની પ્રાણપ્રતિષ્ઠા રંગેચંગે કરવામાં આવી હતી. તેના પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાટોત્સવમાં આસપાસનાં ૨૩ ગામોમાં વસતા ઠોરિયા પરિવારનાં આશરે ૪૫૦ કુટુંબો એકત્રિત થઈ નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રસંગે ઠોરિયા પરિવારનું સ્નેહમિલન પણ યોજાશે, જેમાં બગથળા સ્થિત નકલંક મંદિરના મહંત પૂજ્ય દામજી ભગત આશીર્વચન પાઠવશે. બપોરે આશરે ૨,૫૦૦ લોકો સમૂહ પ્રસાદનો લાભ લેશે.

પાટોત્સવના આગલા દિવસે તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રે લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીની મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દાંડિયારાસ અને ગરબાની રમઝટ સાથે ભક્તિમય અને સાંસ્કૃતિક માહોલ સર્જાશે.


સમસ્ત ઠોરિયા પરિવાર દ્વારા આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.























