HomeAllરંગધરતી પાર્કમાં આદ્યશક્તિ ગરબી મંડળની મહાઆરતીમાં ઉમટ્યો ભક્તિભાવ

રંગધરતી પાર્કમાં આદ્યશક્તિ ગરબી મંડળની મહાઆરતીમાં ઉમટ્યો ભક્તિભાવ

મોરબી, 19 ઓક્ટોબર 2026: મોરબીના રંગધરતી પાર્ક ખાતે નવરાત્રિના આઠમા નોરતે આદ્યશક્તિ ગરબી મંડળ દ્વારા માતાજીની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સળંગ સાતમા વર્ષે યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાગત રાસ-ગરબાના સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આઠમના પાવન અવસરે યોજાયેલી મહાઆરતીમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સૂરણી, જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયા તેમજ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ માતાજીની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

મહોત્સવનું મુખ્ય આકર્ષણ નાની બાળાઓ દ્વારા રજૂ કરાયેલો પરંપરાગત ‘ધૂણિયો રાસ’ રહ્યો હતો. બાળાઓએ પોતાની સુંદર રજૂઆત અને ઉત્સાહભેર રાસ-ગરબાથી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. અન્ય વિવિધ રાસ-ગરબાની પ્રસ્તુતિઓએ પણ નવરાત્રિના ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

રંગધરતી પાર્ક અને આદ્યશક્તિ ગરબી મંડળના સ્વયંસેવકો દ્વારા છેલ્લા સાત વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આયોજકો અને સ્વયંસેવકોના સહયોગથી માતાજીની આરાધના સાથે સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહાઆરતીમાં સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિમય માહોલને વધુ દિવ્ય બનાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments