
મોરબી, ૨૦ ઑક્ટોબર ૨૦૨૬: મોરબીમાં નવનિર્મિત શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. દશેરાના પવિત્ર દિવસે સવારે ૯:૩૦ કલાકે મંદિરના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન થતાં હજારો હરિભક્તોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ હતી. સાત વર્ષથી વધુ સમય બાદ મહંતસ્વામી મહારાજ મોરબી પધારતાં ઉદ્યોગજગતના અગ્રણીઓ, મહાનુભાવો અને હરિભક્તોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.



મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસર અને પ્રવેશમાર્ગને આકર્ષક સજાવટથી શણગારવામાં આવ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓની કમાન, કાર્પેટ પર પુષ્પો અને વિવિધ રંગોથી તૈયાર કરાયેલી સુંદર રંગોળી તથા ઉત્સવમય વાતાવરણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના લોગોને ફુગ્ગાઓ સાથે આકાશમાં ઉડાડીને મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત હજારો હરિભક્તોએ પણ રંગબેરંગી ફુગ્ગાઓ ગગનમાં છોડીને પૂજ્ય સ્વામીશ્રીનું હર્ષોલ્લાસ સાથે અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ભાવસભર સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સાત વર્ષ, ચાર મહિના અને બે દિવસના અંતરાલ બાદ પૂ. મહંતસ્વામી મહારાજ ફરી એકવાર મોરબીની ધરાને પાવન કરવા પધાર્યા છે. પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને પૂ. આત્મકીર્તિ સ્વામીએ પુષ્પહાર અર્પણ કરીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું. દશેરાના પર્વ નિમિત્તે સ્વામીશ્રીએ હરિભક્તોને ફાફડા-જલેબીનો પ્રસાદ પણ અર્પણ કર્યો હતો.


મોરબીની ભૂમિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઐતિહાસિક અને આધ્યાત્મિક સંબંધ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણની પાવન પદરજથી ધન્ય બનેલી આ ભૂમિ પર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એકવાર અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે બે વાર પધરામણી કરી સત્સંગની પરંપરાને વેગ આપ્યો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે મોરબીમાં દસ વાર પધરામણી કરી હતી. મચ્છુ હોનારત બાદ તેમણે રેલરાહત સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પરંપરાને આગળ વધારતાં ૧૨ જૂન, ૨૦૧૯ના રોજ પૂ. મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા મોરબીમાં નવનિર્મિત શિખરબદ્ધ મંદિરનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવામાં આવ્યાં હતાં. હવે મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે સ્વામીશ્રીનું આગમન થયું છે. આગામી ૨૫ ઑક્ટોબરે તેમના વરદ હસ્તે મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વિધિ યોજાશે.

મહંતસ્વામી મહારાજના ૧૫ દિવસના મોરબી રોકાણ દરમિયાન વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૩ ઑક્ટોબરે સવારે વિશ્વશાંતિ મહાયજ્ઞના પ્રથમ સત્ર અને સાંજે સ્વાગત-અભિવાદન સમારોહ યોજાશે. ૨૪ ઑક્ટોબરે વિશ્વશાંતિ મહાયજ્ઞના બીજા સત્ર સાથે સાંજે ઠાકોરજીની ભવ્ય નગરયાત્રા નીકળશે.

૨૫ ઑક્ટોબરે શરદ પૂર્ણિમાના પાવન દિવસે સવારે ૯થી બપોરે ૧ વાગ્યા દરમિયાન પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા વિધિ યોજાશે. સાંજે મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્ય દિવસને લઈને હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ૨૮ ઑક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન દરરોજ સવારે સ્વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શન અને સાંજે સત્સંગ સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ૨ નવેમ્બરે સાંજે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના વિવિધ કાર્યક્રમો દ્વારા ધાર્મિક શ્રદ્ધા, આધ્યાત્મિક ચેતના અને સામાજિક એકતાનો સંદેશ પ્રસરશે. નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પૂ. મહંતસ્વામી મહારાજ મોરબીથી ગોંડલ જવા વિદાય લેશે.



















