
માહિતી મોરબી: ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગની મુસદ્દા મતદારયાદી આગામી ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ કોઈપણ પાત્ર નાગરિક મતદાર તરીકે નોંધણીથી વંચિત ન રહે અને કોઈપણ બિનપાત્ર વ્યક્તિનું નામ મતદારયાદીમાં સામેલ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે

મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન નાગરિકો તથા રાજકીય પક્ષો મતદારયાદી અંગેના દાવા અને વાંધા રજૂ કરી શકશે. આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થનારા તમામ દાવા-વાંધાઓનો આખરી નિકાલ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં કરવામાં આવશે. ત્યારબાદ ૪ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

નવા પાત્ર મતદારોને નોંધણી કરાવવા અપીલ

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦, મતદાર નોંધણી નિયમો-૧૯૬૦ તથા ભારતના બંધારણની કલમ ૩૨૬ની જોગવાઈઓને અનુસરીને મતદારયાદીની સુધારણા હાથ ધરવામાં આવશે. તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખે પાત્ર બનતા નાગરિકો ઉપરાંત ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ની આગામી લાયકાતની તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરી પાત્ર બનનારા સંભવિત મતદારો પણ નોંધણી માટે અરજી કરી શકશે.

મતદાર તરીકે નોંધણી કરાવવા અથવા મતદારયાદીમાં જરૂરી સુધારા માટે નાગરિકો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા પોતાના વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO)નો સંપર્ક કરી શકશે.

BLO પાસે મતદારયાદીની વિગતો ચકાસવા અપીલ

જિલ્લાના તમામ નાગરિકોને પોતાની મતદારયાદીની વિગતો સંબંધિત BLO પાસે ચકાસી લેવા અને જરૂરી સુધારા માટે નિયત સમયમર્યાદામાં અરજી કરવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, આગામી ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ HTAT (Special Competitive Examination) યોજાનાર હોવાથી તે દિવસે યોજાનાર સ્પેશિયલ કેમ્પેઈન રદ કરવામાં આવ્યો હોવાનું મોરબીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.



















