HomeAllમોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઇતિહાસ: ‘પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬’માં ભારતીય મહિલા...

મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઇતિહાસ: ‘પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬’માં ભારતીય મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ ખેલાડી બનશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજનાથી શરૂ થયેલી સફર આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી

માહિતી મોરબી: ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબીની કબડ્ડી ખેલાડી સભઈબેન ગઢવીએ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારતી સિદ્ધિ હાંસલ કરી છે. આગામી સમયમાં યોજાનારી ‘પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬’માં ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમની પસંદગી થઈ છે. આ સાથે તેઓ આ સ્પર્ધામાં ભારતીય ટીમ તરફથી રમનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બનવાની ઐતિહાસિક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યાં છે. સામાન્ય ખેડૂત પરિવારની દીકરીએ પોતાની મહેનત, શિસ્ત, સમર્પણ અને રમત પ્રત્યેની અતૂટ નિષ્ઠાના બળે આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની સફર ખેડી છે.

સરકારી રમત વિકાસ યોજનાથી શરૂ થઈ સફર

સભઈબેન ગઢવીએ વર્ષ ૨૦૧૮માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ની ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના હેઠળ મોરબીની નવજીવન વિદ્યાલયમાં ધોરણ-૯માં કબડ્ડી ખેલાડી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ-૯થી ૧૨ સુધીના અભ્યાસ દરમિયાન તેમણે કોચ વિજયકુમાર ચૌધરી અને નરસિંહભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ કબડ્ડીની સઘન તાલીમ મેળવી હતી. સતત અભ્યાસ, નિયમિત પ્રેક્ટિસ, શિસ્ત અને મહેનતના પરિણામે તેમણે રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરી હતી.

SAGથી SAI સુધીની સફળતાભરી સફર

મેદાન પરના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે વર્ષ ૨૦૨૨-૨૩માં સભઈબેનને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ‘સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી સંવર્ધન કેન્દ્ર યોજના’નો લાભ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪થી તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) હેઠળ રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચસ્તરીય તાલીમ મેળવી રહ્યાં છે. તેમની રમતકૌશલ્ય અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને એશિયન ગેમ્સ-૨૦૨૬ માટે ભારતીય મહિલા ટીમના તાલીમ કેમ્પમાં પણ તેમની પસંદગી થઈ હતી. હવે કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ માટેની પસંદગી તેમની રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિનો વધુ એક મહત્ત્વપૂર્ણ પડાવ છે.

ગુજરાતની દીકરીઓ માટે પ્રેરણારૂપ સિદ્ધિ

સભઈબેન ગઢવીની આ સિદ્ધિ મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્ય સરકારના રમત વિકાસલક્ષી પ્રયાસો, તાલીમની સુવિધાઓ અને અનુભવી કોચના માર્ગદર્શનથી નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેલી પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની તક મળી રહી છે. સભઈબેનની સફર તેનો પ્રેરણાદાયી દાખલો છે. તેમની સફળતા અન્ય દીકરીઓ અને યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરશે.

અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ

સભઈબેન ગઢવીની આ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર, મોરબી જિલ્લા રમત વિકાસ તંત્ર, જિલ્લા રમતગમત અધિકારીઓ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી જિલ્લા કબડ્ડી એસોસિએશન, નવજીવન વિદ્યાલય પરિવાર, કોચ અને શિક્ષકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. આગામી ‘પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬’માં ભારતીય ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સ્વર્ણિમ સફળતા પ્રાપ્ત કરે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો તિરંગો ગૌરવભેર લહેરાવે તેવી મોરબી સહિત સમગ્ર ગુજરાતના રમતપ્રેમીઓએ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments