આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પનો ૫૪૩ લોકોએ લાભ લીધો; યોગ શિબિર સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા લોકોને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું

૨૭ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ‘નિરામય મોરબી’ના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા લોકોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ, આરોગ્યની જાળવણી અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

આયુર્વેદ શાખા દ્વારા ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને માળિયા તાલુકાના ખાખરેચી ખાતે તેમજ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાના ખાનપર ખાતે વિશેષ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ ૫૪૩ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આ ઉપરાંત, આયોજિત શિબિરોમાં ૫૯૬ લોકોએ ભાગ લીધો હતો, જ્યારે ચાર્ટ અને બેનર પ્રદર્શનના માધ્યમથી ૭૩૯ લોકોને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી. યોગ શિબિરોમાં અંદાજે ૩૬૯ લોકોએ ભાગ લઈને યોગ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ તમામ કાર્યક્રમો દરમિયાન લોકોને આયુર્વેદ અને હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના મહત્ત્વ વિશે સમજ આપવામાં આવી હતી. સાથે જ દૈનિક જીવનમાં સ્વસ્થ આહાર, નિયમિત યોગ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને તંદુરસ્તી જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયોજિત આ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના માધ્યમથી સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવાનો રહ્યો હતો.






















