
રસ્તા: પર થતા અકસ્માતોમાં જાનમાલનું નુકસાન ઘટાડવા અને વાહનોને વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટર વાહનોના સુરક્ષા ધોરણોમાં ફેરફાર કર્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, કાર અને અન્ય વાહનોમાં ટક્કર દરમિયાન સુરક્ષા, અકસ્માતનો ડેટા રેકોર્ડ કરવા, પગપાળા ચાલતા લોકોની સુરક્ષા અને વાહન ચોરી રોકવા સંબંધિત નવા ધોરણો લાગુ કરવામાં આવશે.અકસ્માત સમયે કારમાં શું થયું, હવે થશે રેકોર્ડ :

– સરકારી સૂચના અનુસાર, નવી કારમાં EDR એટલે કે ઇવેન્ટ ડેટા રેકોર્ડર (Event Data Recorder) સંબંધિત ધોરણો લાગુ કરવામાં આવશે. તેને કારનું ‘બ્લેક બોક્સ’ પણ કહી શકાય. વિમાનમાં બ્લેક બોક્સ જે રીતે કામ કરે છે, તેવી જ રીતે આ સિસ્ટમ અકસ્માત સાથે જોડાયેલો ડેટા રેકોર્ડ કરશે. તેનાથી અકસ્માત કેવી રીતે થયો અને તેની પાછળનાં સંભવિત કારણોની તપાસ કરવામાં મદદ મળી શકે છે.ફ્રન્ટ અને સાઇડ ક્રેશમાં મળશે વધુ સુરક્ષા :

– નવા નિયમો હેઠળ સામેથી થતી ટક્કર, બાજુથી થતી ટક્કર અને આંશિક ફ્રન્ટલ ટક્કર દરમિયાન કારમાં બેઠેલા લોકોની સુરક્ષાનાં ધોરણો મજબૂત કરવામાં આવ્યા છે. સ્ટિયરિંગ સિસ્ટમ માટે પણ નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જેથી અકસ્માત દરમિયાન ડ્રાઇવરને ઇજા થવાનું જોખમ ઘટાડી શકાય.પગપાળા ચાલતા લોકોની સુરક્ષા પર પણ ભાર :

– વાહનના આગળના ભાગ સાથે ટક્કર થવાથી પગપાળા ચાલતા લોકોને ઇજા થવાનું જોખમ ઘટાડવા માટે પણ સુરક્ષા ધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં FlexPLI એટલે કે ફ્લેક્સિબલ પેડેસ્ટ્રિયન લેગ ઇમ્પેક્ટર નામના ટેસ્ટ ઉપકરણનો ઉપયોગ પણ સામેલ છે. આ ઉપકરણ દ્વારા ટક્કર દરમિયાન પગપાળા ચાલતા વ્યક્તિના પગ પર કેટલો પ્રભાવ પડે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.પાછળથી ટક્કર અને ઇલેક્ટ્રિક કારની સુરક્ષા :

– નવા ધોરણોમાં પાછળથી ટક્કર થાય ત્યારે ઇંધણ સિસ્ટમની સુરક્ષા અને ઇલેક્ટ્રિક વાહનોના પાવરટ્રેનની સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, M1 શ્રેણીની કારમાં પેડલ સિસ્ટમ અને તેના સંચાલન સંબંધિત ધોરણોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.વાહન ચોરી રોકવા માટે પણ નવા નિયમો :

-M અને N શ્રેણીનાં વાહનોમાં વ્હીકલ એલાર્મ સિસ્ટમ અને ઇમોબિલાઇઝર સંબંધિત જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે. ઇમોબિલાઇઝર એવું ઉપકરણ છે, જે અધિકૃત રીતે વાહન સ્ટાર્ટ ન થાય ત્યારે એન્જિન અથવા વાહનને ચાલુ થતું અટકાવવામાં મદદ કરે છે. આ વ્યવસ્થાથી વાહન ચોરીનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે

નવા નિયમો ક્યારથી લાગુ થશે? : – સરકારી સૂચના અનુસાર, સુરક્ષાનાં અલગ-અલગ ધોરણો તબક્કાવાર લાગુ કરવામાં આવશે. કેટલાક નિયમો માટે 1 ઑક્ટોબર 2027ની તારીખ નક્કી કરવામાં આવી છે, જ્યારે અન્ય ધોરણો 2028 અને 2029થી લાગુ થશે. કેટલાક નિયમોની સમયમર્યાદા 2031-2032 સુધીની છે. કયા વાહન પર કયો નિયમ ક્યારથી લાગુ થશે તે વાહનની શ્રેણી, મોડેલ અને સંબંધિત જોગવાઈ પર આધારિત રહેશે.




















