HomeAllએસટી નિગમ દિવાળી માટે 4 હજાર એકસ્ટ્રા બસો દોડાવશે

એસટી નિગમ દિવાળી માટે 4 હજાર એકસ્ટ્રા બસો દોડાવશે

દર: વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી દિવાળીનાં તહેવારો અંતર્ગત એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો રાજયવ્યાપી દોડાવનાર છે. ખાસ કરીને ગત વર્ષ કરતા આ વર્ષે 500 વધુ એકસ્ટ્રા બસો એસટી તંત્ર દોડાવશે. ગત સાલ કુલ 3500 વધારાની બસો મુકાઈ હતી. ત્યારે ચાલુ વર્ષે 4 હજાર વધારાની બસો રાજયભરના 16 ડિવિઝનોમાંથી વિવિધ રૂટો પર દોડાવાશે. નોંધનિય છે કે તા.4થી 7 નવેમ્બર દરમ્યાન એકસ્ટ્રા બસોનું સંચાલન થશે.

ખાસ કરીને એકલા સુરત વિભાગ દ્વારા જ 1600 વધારાની બસો સૌરાષ્ટ્ર અને દાહોદ-પંચમહાલ રૂટો ઉપર દોડાવાશે. આ અંગે એસટી નિગમનાં સંચાલકોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિવિધ તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવારો ઉજવી શકે તે માટે એસ. ટી. નિગમ દ્વારા હંમેશાં લોકઉપયોગી પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આગામી દિવાળીના તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા સુરત સહિત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાંથી કુલ 4000 જેટલી એક્સ્ટ્રા બસોનું વિશેષ સંચાલન કરવામાં આવશે.

દિવાળી નિમિત્તે આગામી તા. 4 થી 7 નવેમ્બરથી સુધી નિયમિત બસ સેવાઓ ઉપરાંત એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. આ વધારાની બસો દ્વારા 8,000 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જતા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડવામાં આવશે. ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રત્નકલાકારો તેમજ પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકો માટે આ વ્યવસ્થા અત્યંત રાહતરૂપ સાબિત થશે.

મુસાફરો આ એક્સ્ટ્રા બસોની સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે નિગમની વિભાગીય કચેરીના ડેપો પરથી તેમજ અધિકૃત વેબસાઈટ પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરો સંચાલન સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા તા.4/11થી તા.7/11 દરમ્યાન દિવાળીના તહેવારો દરમ્યાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમા વસતા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 1600 જેટલી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે.

એકસ્ટ્રા બસો સાંજે 4થી રાત્રે 10 કલાક સુધી દોડાવવામાં આવશે. જે માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટીકીટ તેમજ ગ્રુપ બુકીંગ પણ કરાવી શકશે. તેમજ તમામ વાહનો કીમ ચોકડીથી ભારતમાલા હાઈવે ઉપરથી સંચાલન થશે જેને કારણે મુસાફરીનો સમયની બચત થવા પામશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે. તા.4/11થી તા.7/11 દરમ્યાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાલજ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સીટી ડેપો ખાતેથી કરવામાં આવશે.

તા.4/11થી તા.7/11 દરમ્યાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાલજ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમવામા આવેલ બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ, તથા નિગમની વેબસાઈટ ઉપરથી પણ ઓનલાઈન ટીકીટનું બુકિંગ કરી શકાશે. સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન ધારૂકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તા.4/11થી તા.7/11 સાંજે 4થી રાત્રે 10 કલાક સુધી હાથ ધરવામાં આવશે. દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સીટી સ્ટેન્ડમાંથી તેમજ રામનગર ખાતેથી તા.4/11થી તા.7/11 સાંજે 4થી રાત્રે 10 કલાક સુધી હાથ ધરવામાં આવશે. વધુમાં ટ્રાફિકના ધસારાને ધ્યાને લઈ તા.8/11થી 15/11 (લાભ પાંચમ) સુધી વડોદરા અમદાવાદનું એકસ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments