
કેન્દ્ર: સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં મહત્ત્વનો સુધારો કરીને E100 થેનોલ ઇંધણને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે સત્તાવાર માન્યતા આપી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા 23 ઓક્ટોબર 2026ના રોજ બહાર પાડવામાં આવેલા રાજપત્રના જાહેરનામા (સા. કા. નિ. 911(અ)) દ્વારા નિયમ 115માં ફેરફાર કરવામાં આવ્યા છે.

અગાઉ તેમાં માત્ર E85નો ઉલ્લેખ હતો, પરંતુ હવે E85 અને E100 બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલું એવી કાર કંપનીઓ માટે મહત્ત્વનું છે, જે ટૂંક સમયમાં E100 મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે E85 અને E100નો ઉપયોગ માત્ર ખાસ રીતે ડિઝાઇન અને પ્રમાણિત કરવામાં આવેલા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થઈ શકશે. હાલની E20 અથવા સામાન્ય પેટ્રોલથી ચાલતી કારમાં આ ઇંધણ ભરી શકાશે નહીં. આ ફેરફારથી ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન મળશે, ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. નિયમોમાં શું બદલાયું?

નવા નિયમો હેઠળ ઉત્સર્જન સંબંધિત જોગવાઈઓમાં E85ની સાથે E100નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોષ્ટકમાં ગેસોલિનના સંદર્ભને E10/E20 મુજબ સુધારવામાં આવ્યો છે. વાહનોના કુલ વજનની મર્યાદા 3000 કિલોગ્રામથી વધારીને 3500 કિલોગ્રામ કરવામાં આવી છે. બાયોડીઝલમાં B10ની જગ્યાએ B100ની જોગવાઈ કરવામાં આવી છે. હાઇડ્રોજન-CNG (HCNG) સંબંધિત તકનીકી સુધારા પણ કરવામાં આવ્યા છે. આ ફેરફારો મૂળ સાધન ઉત્પાદકો (OEMs) દ્વારા ફ્લેક્સ-ફ્યુઅલ તરીકે ડિઝાઇન કરવામાં આવેલા વાહનોને લાગુ પડશે. કયા વાહનોમાં E100નો ઉપયોગ થશે?

E85 અથવા E100 ઇંધણનો ઉપયોગ માત્ર એવાં વાહનોમાં જ થઈ શકશે, જેને ઉત્પાદકોએ વધુ પ્રમાણમાં ઇથેનોલના મિશ્રણવાળા ઇંધણ માટે ખાસ રીતે પ્રમાણિત કર્યાં હોય. સામાન્ય પેટ્રોલ અથવા E20થી ચાલતી કારમાં આ ઇંધણ ભરવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. હાલનાં વાહનમાલિકોને કોઈ ફેરફાર કરવાની કે ઇંધણ બદલવાની જરૂર નથી. બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીનો ઉપયોગ પહેલેથી જ થઈ રહ્યો છે, જ્યાં એક જ ટાંકીમાં અલગ-અલગ પ્રમાણમાં મિશ્રિત ઇંધણનો ઉપયોગ કરી શકાય છે. કાર કંપનીઓ અને પર્યાવરણ પર શું અસર થશે?

આ સુધારાથી E100 મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહેલી કંપનીઓ માટે માર્ગ મોકળો થશે. ઇથેનોનનું કાર્બન ઉત્સર્જન પ્રમાણમાં ઓછું હોય છે, જેના કારણે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન ઘટશે. તેનાથી ખેતી ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે, કારણ કે ઇથેનોલ શેરડી અને અનાજમાંથી બનાવવામાં આવે છે. સરકારનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાનો અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.ક્યારથી અમલમાં આવશે?

આ નિયમો રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવ્યા છે. એપ્રિલ 2026માં જાહેર કરાયેલા મુસદ્દા પર વાંધા અને સૂચનો મંગાવ્યા બાદ અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એકંદરે, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ એક મોટું પગલું છે.





















