
૨૬-૧૦-૨૦૨૬: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સર્જનથી સમૃદ્ધિ’ની થીમ પર યોજાનારો આ મેળો મોરબીમાં સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

મેળામાં સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ પહેલના માધ્યમથી સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળશે, જ્યારે નાગરિકોને પણ સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરવાની તક મળશે.

સ્વદેશી મેળાને માત્ર ખરીદી પૂરતો સીમિત ન રાખતાં મનોરંજન અને જનજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ આધારિત પ્રસ્તુતિઓ, બાળકો માટે મેજિક શો તથા લોકડાયરાના કાર્યક્રમો મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત સ્વચ્છતા અને જનજાગૃતિને લગતાં નાટકો દ્વારા નાગરિકોમાં સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

સ્થાનિક કલા, સંસ્કૃતિ, હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા આ મેળામાં મોરબીના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લે, તેવી અપીલ મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.























