
26-10-2026: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મોરબીમાં કિશોરી મેળો યોજાયો, આરોગ્ય પરીક્ષણ સાથે પોષણ, સ્વચ્છતા અને સરકારી યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન

મોરબી: દીકરીઓના આરોગ્યની જાળવણી, પોષણસ્તરમાં સુધારો, જીવન કૌશલ્યનો વિકાસ અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મોરબી ઘટક કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

મેળા દરમિયાન ઉપસ્થિત કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કિશોરાવસ્થામાં આરોગ્યની જાળવણી અને પોષણના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી, જેથી કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સંભવિત સમસ્યાઓનું સમયસર નિદાન થઈ શકે.

પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂરક પોષણ આહાર, કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો, એનિમિયા નિવારણ, કાયદાકીય અધિકારો, જીવન કૌશલ્ય અને વ્યવસાયલક્ષી તાલીમ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાની પદ્ધતિઓ, વ્યક્તિગત સ્વચ્છતા અને સંતુલિત આહારના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં કિશોરીઓને વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે તમામ ઉપસ્થિત કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા ઉપરાંત તેમને શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સશક્તિકરણની દિશામાં પ્રોત્સાહિત કરવાનો હતો.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા અને મમતાબેન રાવલ, મેડિકલ ઓફિસર શિતલબેન જાની, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે સંકળાયેલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.





















