સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારત સહિત ચાર દેશોના જહાજોને પસાર થવાની મંજૂરી, ભારત અને ચીન પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલાશે

મોરબી : મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા ક્ષેત્રે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા ભારત સહિત ચાર દેશોના વ્યાપારી જહાજોને વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની વિશેષ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ભારતના આયાત-નિકાસ વેપારને વેગ મળવાની સાથે મોરબીના સીરામીક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત મળવાની આશા જાગી છે. જોકે, આ માર્ગનો ઉપયોગ કરવા બદલ ભારત અને ચીનના જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં આવશે.

ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે ઈરાની મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત, ચીન, ઈરાક અને કતારના વ્યાપારી જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈપણ પ્રકારની રોકટોક વિના અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકા પણ આ જહાજોને રોકી રહ્યું નથી, જેના કારણે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગે વેપાર સરળ બની શકશે.

ઈરાનના આ નિર્ણય પાછળ વિવિધ વ્યૂહાત્મક હેતુઓ પણ રહેલા હોવાનું જણાવાયું છે. ભારતીય જહાજોને મંજૂરી આપવા પાછળ ઈરાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાંથી દવાઓની આયાત વધારીને પોતાની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવાનો છે. જ્યારે ચીનના જહાજોને મંજૂરી આપવી એ બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાની રણનીતિનો ભાગ હોવાનું મનાય છે. ટ્રાન્ઝિટ ચાર્જની બાબતમાં ઈરાને અલગ નીતિ અપનાવી છે. ભારત અને ચીનના જહાજો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે, જ્યારે મિત્ર દેશ કતારના જહાજોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના પસાર થવાની છૂટ આપવામાં આવી છે. ઈરાકના જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મોરબીના સીરામીક ઉદ્યોગ માટે આ નિર્ણય ખાસ મહત્વ ધરાવે છે. મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં નેચરલ ગેસ, પ્રોપેન અને એલએનજીનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. આ ગેસનો મોટાભાગનો જથ્થો કતાર, ઈરાન સહિતના ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવતો હતો. જોકે, અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગેસની આવક મર્યાદિત થતાં સીરામીક ઉદ્યોગને મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી રહી છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હવે ઈરાન દ્વારા ભારતીય જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવતા ગેસના પુરવઠામાં સુધારો થવાની અને આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થવાની આશા ઉદ્યોગકારોમાં જાગી છે. જો દરિયાઈ માર્ગે ગેસની આયાત સરળ બને અને પુરવઠો પુનઃસ્થાપિત થાય, તો મોરબીના સીરામીક ઉદ્યોગને મોટી રાહત મળી શકે છે. જોકે, ગેસના ભાવમાં વાસ્તવિક ઘટાડો કેટલો થશે તે આયાતની સ્થિતિ, પુરવઠો અને આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પર નિર્ભર રહેશે.






















