HomeAllરાજમાતાના નિધનના શોકમાં મોરબી મહાપાલિકાનો સંવેદનશીલ નિર્ણય, દિવાળીની રોશનીનું આયોજન રદ

રાજમાતાના નિધનના શોકમાં મોરબી મહાપાલિકાનો સંવેદનશીલ નિર્ણય, દિવાળીની રોશનીનું આયોજન રદ

શહેરના ૨૮ સ્થળોએ રૂ. ૪૦ લાખના ખર્ચે થનાર લાઇટિંગ સુશોભન મોકૂફ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ શોકની લાગણીને માન આપવાનો નિર્ણય

મોરબી: મોરબી સ્ટેટનાં રાજમાતા વિજયાકુંવરબા સાહેબના નિધનથી સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. રાજમાતાના નિધન પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે દિવાળી પર્વ નિમિત્તે શહેરમાં કરવામાં આવનાર ભવ્ય રોશની અને લાઇટિંગ સુશોભનનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ૨૮ જેટલા વિવિધ સ્થળોએ આકર્ષક લાઇટિંગ સુશોભન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી પાછળ અંદાજે રૂ. ૪૦ લાખનો ખર્ચ થવાનો હતો. શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવા માટેની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે હતી અને સુશોભન માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી હતી.

જોકે, રાજમાતા વિજયાકુંવરબા સાહેબના દુઃખદ અવસાનને પગલે મહાનગરપાલિકાએ ઉત્સવની ઝાકઝમાળથી દૂર રહી શોક અને સન્માનની લાગણી વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, મોરબી સ્ટેટનાં રાજમાતાના નિધનથી દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. આ દુઃખદ પ્રસંગને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દિવાળી નિમિત્તે શહેરમાં કોઈપણ પ્રકારનું રોશની સુશોભન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ૨૮ સ્થળોએ અંદાજે રૂ. ૪૦ લાખના ખર્ચે લાઇટિંગ સુશોભન કરવાનું આયોજન હતું અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં રાજમાતાના નિધનના શોકમાં આ કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ, દિવાળીના પર્વે મોરબી શહેરને ભવ્ય રોશનીથી સજાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ હોવા છતાં મહાનગરપાલિકાએ રાજમાતા વિજયાકુંવરબા સાહેબ પ્રત્યે આદર અને શોકની લાગણીને પ્રાથમિકતા આપી સંવેદનશીલ નિર્ણય લીધો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments