HomeAllમોરબીના સાહિલ માજોઠીની બે મહિના બાદ માતા સાથે વીડિયો કોલ પર વાતચીત,...

મોરબીના સાહિલ માજોઠીની બે મહિના બાદ માતા સાથે વીડિયો કોલ પર વાતચીત, પરિવારને મળ્યો આશ્વાસનનો સહારો

યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છેલ્લા 13 મહિનાથી કેદ યુવાને વકીલની મદદથી પરિવાર સાથે સંવાદ કર્યો; પુત્રને સહીસલામત ભારત પરત લાવવા માતાની સરકાર સમક્ષ લાગણીસભર અપીલ

મોરબી : રશિયામાં અભ્યાસ માટે ગયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠી રશિયા-યુક્રેન યુદ્ધના સંજોગોમાં યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છેલ્લા 13 મહિનાથી કેદ છે. લાંબા સમયથી પુત્રની રાહ જોઈ રહેલા પરિવાર માટે આશ્વાસનના સમાચાર સામે આવ્યા છે. વકીલની મદદથી બે મહિના બાદ સાહિલે પોતાની માતા હસીનાબેન સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી. આ દરમિયાન સાહિલે પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા અને પોતાની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. પુત્ર સાથે થયેલી આ વાતચીતથી પરિવારને ભાવનાત્મક રાહત મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાહિલ માજોઠી વર્ષ 2024માં અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં અભ્યાસની સાથે કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો. કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરીના કેસમાં તેનું નામ સામે આવતાં રશિયામાં તેને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તે જેલમાં બંધ હતો. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધના સંજોગોમાં તેને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધમાં ભાગ લેવાને બદલે સાહિલે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં કેદ છે.

દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ દીપા જોસેફ બીજી વખત યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની મદદથી સાહિલને બે મહિના બાદ પરિવાર સાથે વોટ્સએપ વીડિયો કોલ પર વાત કરવાનો અવસર મળ્યો હતો. સામાન્ય રીતે સાહિલ સાથે ત્રણથી સાડા ત્રણ મહિના જેટલા અંતરે વાતચીત થઈ શકતી હોય છે, પરંતુ આ વખતે વકીલની હાજરીના કારણે પરિવારને અંદાજે અડધો કલાક સુધી વાતચીત કરવાનો સમય મળ્યો હતો.

ડિટેન્શન સેન્ટરમાં ફર્નિચર બનાવવાનું કામ કરે છે સાહિલ

સાહિલની માતા હસીનાબેને જણાવ્યું હતું કે, યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં તેમના પુત્રની સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે. સાહિલ ત્યાં કાર્પેન્ટર તરીકે કામ કરે છે અને સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી લાકડામાંથી સોફા સેટ સહિતનું ફર્નિચર બનાવે છે. પુત્રએ પરિવારને જણાવ્યું હતું કે, તેને ભોજન, ખાવા-પીવા કે રહેવા અંગે કોઈ મુશ્કેલી નથી અને તેની તબિયત પણ સારી છે.

ડિટેન્શન સેન્ટરમાં એકમાત્ર ભારતીય હોવાનો દાવો

હસીનાબેને વધુમાં જણાવ્યું હતું કે, સાહિલના જણાવ્યા મુજબ યુક્રેનના આ ડિટેન્શન સેન્ટરમાં તે એકમાત્ર ભારતીય નાગરિક છે. અન્ય કોઈ ભારતીય ત્યાં કેદ હોવાની માહિતી તેને નથી. આ પરિસ્થિતિમાં પરિવાર સતત તેના ભારત પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે.

9 નવેમ્બરે ઉચ્ચ અધિકારી સાથે વકીલની બેઠક યોજાવાની શક્યતા

સાહિલને ભારત પરત લાવવાના પ્રયાસો વચ્ચે આગામી તા. 9 નવેમ્બરે યુક્રેનના ઉચ્ચ અધિકારી જનરલ બ્રિગેડિયર સાથે એડવોકેટ દીપા જોસેફની બેઠક યોજાવાની હોવાનું હસીનાબેને જણાવ્યું હતું. આ બેઠકમાં સાહિલની ભારત વાપસી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પરિવારને આશા છે.

2027 સુધીમાં ભારત પરત આવવાની આશા: છેલ્લા 13 મહિનાથી વિદેશી ડિટેન્શન સેન્ટરમાં કેદ પુત્રની રાહ જોઈ રહેલા હસીનાબેને ભારત સરકાર સમક્ષ લાગણીસભર અપીલ કરી છે કે, તેમના પુત્રને વહેલી તકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સહીસલામત ભારત પરત લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. હાલ સાહિલની 2027 સુધીમાં ભારત વાપસીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુત્રના સુરક્ષિત સ્વદેશ આગમનની આશા સાથે પરિવારની પ્રતીક્ષા યથાવત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments